અમદાવાદ: ઉપરી અધિકારીના ત્રાસથી પોલીસ કર્મચારી દ્વારા આપઘાત કરવાના ઘણા બનાવો બની અત્યાર સુધી બની ચુક્યા છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં સવા મહિના પહેલાં પોતાના ઉપરી અધિકારી ડીવાયએસપીના ત્રાસથી પીએસઆઈ રાઠોડ દ્વારા આત્મહત્યા કરવાના ચકચારભર્યા કેસમાં ફરી એકવાર મામલો ગરમાયો છે. મૃતક પીએસઆઇના પરિવારજનોએ શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી આ સમગ્ર કેસમાં સોલા પોલીસ અને શહેર ક્રાઇમબ્રાંચની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જણાવી તેની તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જેને લઇ પોલીસ કમિશનરે પણ પરિવારજનોને યોગ્ય તપાસની હૈયાધારણ આપી વિવાદ ખાળવાનો પ્રયાસ કર્યો હતો. પીએસઆઇ રાઠોડની આત્મહ્ત્યા કેસમાં શહેર પોલીસ કમિશનરને ફરિયાદ કરતાં રજૂઆત કરી છે કે, ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસમાં તપાસના ૪૦ દિવસ બાદ પણ ઉપરી અધિકારી ડિવાયએસપી સામે કોઈ કાર્યવાહી જ થઈ નથી.
તેથી આ સમગ્ર મામલામાં સોલા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ભૂમિકા શંકાસ્પદ છે, જેના જવાબમાં કમિશનર દ્વારા વધુ એકવાર પરિવારને હૈયાધારણા મળી છે કે, કેસમાં યોગ્ય તપાસ કરવામાં આવશે. મૃતક પીએસઆઈના પત્ની ડિમ્પલે પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, પોલીસે મારા પતિના મોત સમયે કોને કેટલા ફોન કર્યા તેમ જ કોણે શું માહિતી આપી તેની કોઈ જાણકારી આપી ન હતી. ઘરમાંથી બીજું શું શું કબ્જે કર્યું હતું તે અંગે અમે જાણતા નથી. હજુ સુધી પોલીસે આરોપી ડીવાયએસપીની અટક પણ કરી નથી. જેથી આ અંગે તાત્કાલીક યોગ્ય પગલા ભરવાની માગણી કરી રહ્યા છીએ.
મૃતક દેવેન્દ્રવસિંહના પિતા સત્યેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું કે, મારી પુત્રવધૂએ ડીવાયએસપીને કરાઇ એકેડેમીમાંથી બદલીને તેની અટકાયત કરવા રજૂઆત કરી હતી. પણ પોલીસ ગોળ ગોળ જવાબ આપી રહી છે. જે પીડા ડીવાયએસપીએ મારા પુત્ર દેવેન્દ્રને આપી હતી તે પીડા હવે પોલીસ અને સરકારી તંત્ર અમને આપી રહ્યું છે. દેવેન્દ્રના મૃતદેહનો કબજો લઇને તેની અંતિમવિધિ કરી દીધી હતી. પરંતુ ઇન્કવેસ્ટ પંચનામું, પી.એમ. રિપોર્ટ કે અન્ય દસ્તાવેજો પોલીસ આપતી નથી. જેના કારણે પરિવારને દેવેન્દ્રનું ડેથ સર્ટિિફકેટ હજુ મળ્યું નથી. મૃતક પીએસઆઇના પરિવારજનોની વ્યથા પરથી સમગ્ર પરિÂસ્થતિનો ખ્યાલ આવી જાય છે કે, આ કેસમાં પોલીસ અને ઉચ્ચ સત્તાધીશો કેટલા ગંભીર છે.