વેચવાલીની વચ્ચે સેંસેક્સમાં ૪૨૫ પોઇન્ટનો મોટો ઘટાડો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ : શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ઓટો મોબાઇલ અને મેટલના શેરમાં જારદાર વેચવાલી વચ્ચે બેંચમાર્ક ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો જાવા મળ્યો છે. આજે કારોબારના અંતે સેંસેક્સ ૪૨૫ પોઇન્ટ ઘટીને ૩૬૫૪૬ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૧૨૬ પોઇન્ટ ઘટીને ૧૦૯૪૪ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. કારોબારના અંતે અફડાતફડીનો દોર રહ્યો હતો. નિફ્ટ ઓટો ઇન્ડેક્સમાં ૩.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. તાતા મોટર્સ, એમઆરએફ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૩.૪ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. શેલ અને વેદાંતાના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો.

બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૨૦૩ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૪૪૨૮ રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૩૬૫૬ પોઇન્ટ સુધીનો આંકડો રહ્યો હતો. તેમાં ૧૨૨ પોઇન્ટનો ઘટાડો જાવા મળ્યો હતો. તાતા મોટર્સના શેરમાં ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ૨૫ ટકાથી વધુનો ઘટાડો થયા બાદ અંતે ૧૭.૮૮ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ૨.૬૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. મૂડીરોકાણકારો જુદા જુદા પરિબળોને લઇને હાલમાં ચિંતાતુર છે. શેરબજારમાં જાન્યુઆરી મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ ૫૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. સામાન્ય ચૂંટણી પહેલા વિદેશી મૂડીરોકાણકારો કોઇપણ પ્રકારના જાખમ લેવા માટે તૈયાર નથી. નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા જ્યારે ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાની જંગી  રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી.

ડિપોઝિટરી પાસે ઉપલબ્ધ આંકડામાં જણાવવાં આવ્યું છે કે, ગયા મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૯૭ કરોડ અને ઇક્વિટી માર્કેટમાંથી ૫૨૬૭ કરોડ  રકમ પરત ખેંચવામાં આવી હતી. શેરબજારમાં હાલમાં તેજી માટે કેટલાક પરિબળો દેખાઈ રહ્યા છે. હાલમાં જ રજૂ કરવામાં આવેલા બજેટમાં તમામ વર્ગો માટે મોટી રાહતો જાહેર કરવામાં આવી હતી. જેની સીધી અસર પણ બજારમાં જાવા મળી રહી છે. આવકવેરા મુક્તિ મર્યાદા પાંચ લાખ રૂપિયા કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતો માટે ઇન્કમ સપોર્ટ યોજના જાહેર કરવામાં આવી ચુકી છે. શ્રમિકો માટે પણ કેટલીક જાહેરાતો કરવામાં આવી ચુકી છે જેની સીધી અસર બજારમાં જાવા મળી રહી છે.

બેંચમાર્ક ઇન્ડેક્સ ગઇકાલે ગુરૂવારના દિવસે ફ્લેટરીતે બંધ રહ્યા હતા. રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. રિવર્સ રેપોરેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. ગઇકાલે ગુરૂવારના દિવસે બીએસઈ સેંસેક્સ ચાર પોઇન્ટ ઘટીને ૩૬૯૭૧ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ સાત પોઇન્ટ સુધરીને ૧૧૦૬૯ની સપાટીએ રહ્યો હતો.

Share This Article