નવી દિલ્હી : અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, અમેરિકાની હોસ્પિટલમાં ચાલી રહેલી તેમની તબીબી સારવાર પરિપૂર્ણ થઇ ગઇ છે પરંતુ સંસદમાં વચગાળાના બજેટ ઉપર ચર્ચાનો જવાબ આપવા માટે તેઓ ઉપલબ્ધ રહેશે નહીં. ચર્ચાનો જવાબ આપવાના ગાળા સુધી તેઓ ભારત પરત ફરી શકશે નહીં. ૬૬ વર્ષીય અરુણ જેટલી નરેન્દ્ર મોદી સરકારની વર્તમાન અવધિના અંતિમ અને છઠ્ઠા બજેટને રજૂ કરી શક્યા ન હતા. કારણ કે તેઓએ સારવાર અર્થે અમેરિકા ગયા હતા. તેમની ગેરહાજરીમાં નાણામંત્રાલયનો હવાલો સંભાળતા રેલવેમંત્રી પીયુષ ગોયેલે નાણામંત્રી તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. પીયુષ ગોયેલે વચગાળાનું બજેટ રજૂ કરતી વેળા સમાજના તમામ વર્ગો તરફથી રાહત મેળવી હતી.
લોકપ્રિયતા પણ મેળવી હતી. ૨૦૧૯-૨૦ના નાણાંકીય વર્ષ માટે વચગાળાના બજેટને રજૂ કરતી વેળા પીયુષ ગોયેલે ખેડૂતો અને નબળા વર્ગ સહિત તમામ વર્ગોને આવરી લીધા હતા. એક ઇન્ટરવ્યુમાં અરુણ જેટલીએ કહ્યું છે કે, તેઓ ઝડપથી રિકવરીના માર્ગ ઉપર છે પરંતુ તેઓ વહેલીતકે અને બજેટ પર ચર્ચાનો જવાબ આપવા માટે ઉપલ્બધ રહેશે નહીં. જેટલીએ કબૂલાત કરી હતી કે, પીયુષ ગોયેલે ખુબ જ સફળતાપૂર્વક અને શાનદારરીતે બજેટ રજૂ કર્યા બાદ સંસદમાં બજેટ પર ચર્ચાનો જવાબ આપશે. જેટલી ગયા મહિનામાં સારવાર અર્થે અમેરિકા ગયા હતા. તેમની બિમારીના સંદર્ભમાં હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ એમ માનવામાં આવે છે કે, તેઓ સોફ્ટ ટિશ્યુ કેન્સરથી ગ્રસ્ત છે. ટૂંક સમયમાં જ ઓપરેશન કરવાની ફરજ પડી શકે છે.
મે ૨૦૧૮માં રેનલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવ્યા બાદ જેટલી પ્રથમ વખત સારવાર અર્થે અમેરિકા ગયા છે. ૨૦૧૮માં પણ જેટલીની જગ્યાએ નાણામંત્રાલયનો હવાલો ગોયેલને આપવામાં આવ્યો હતો. એપ્રિલ બાદથી જેટલી ઓફિસમાં હાજરી આપી રહ્યા ન હતા પરંતુ ૨૩મી ઓગસ્ટના દિવસે નાણામંત્રાલયની જવાબદારી ફરી એકવાર સંભાળી હતી. તમામ લોકો જાણે છે કે, સપ્ટેમ્બર ૨૦૧૪માં અરુણ જેટલીએ બેરિયાટ્રીક સર્જરી કરાવી હતી. વધતા જતા વજનને રોકવા માટે આ સર્જરી કરાવી હતી. અરુણ જેટલી અનેક પ્રકારની બિમારીઓથી ગ્રસ્ત છે. તેમને ડાયાબિટીસની સમસ્યા પણ છે. આવી સ્થિતિમાં અરુણ જેટલી સંસદમાં બજેટ ચર્ચાનો જવાબ આપવા સમયસર ઉપલબ્ધ થશે નહીં. અરુણ જેટલી સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરવાની તક ચુકી ગયા છે. છેલ્લા ઘણા સમયથી અરુણ જેટલી પણ સ્વસ્થ રહ્યા નથી.