અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં વર્ષો જૂનું નર્મદેશ્વર મહાદેવ અમ્યુકો પશ્ચિમ ઝોનના સત્તાવાળાઓ દ્વારા એકાએક કોઇપણ કારણ વિના તોડી પાડવામાં આવતાં વકરેલા વિવાદમાં આખરે સ્થાનિક રહીશોના ધરણાં-ઉપવાસ અને ઉગ્ર આંદોલનની ચીમકી બાદ અમ્યુકો સત્તાધીશો સાથે સમાધાનકારી સ્થિતિ બની છે. જે મુજબ, સ્થાનિક રહીશો પાલડીનું આ તોડી પડાયેલું શિવમંદિર સ્વખર્ચે બનાવશે. જા કે, મંદિર બારોબાર તોડી નાંખનાર અમ્યુકોના જવાબદાર કર્મચારી-અધિકારીઓ સામે શિક્ષાત્મક અને સબક સમાન પગલાં લેવા સ્થાનિક રહીશોએ ઉગ્ર માંગણી કરી છે. પશ્ચિમ ઝોનના સત્તાવાળાઓ દ્વારા પાલડીના શિવમંદિરને ધ્વસ્ત કરાતાં સ્થાનિક રહેવાસીઓએ રોષ ભરાઇને તંત્ર જ મંદિરનું પુનઃનિર્માણ કરે તેવી ઉગ્ર માગણી કરી હતી. આ માટે મેયરને ગઇકાલે આવેદપત્ર પણ અપાયું હતું, જોકે આ મામલે થયેલા સમાધાનના આધારે હવે સ્થાનિક રહેવાસીઓ સ્વખર્ચે શિવમંદિર ઊભું કરશે.
અલબત્ત, મંદિરને તોડવાની કામગીરી કોના ઇશારે અને ક્યા અધિકારીના આદેશથી કરાઇ તે બાબત હજુ સુધી સ્પષ્ટ ન થતાં આનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ગઇકાલે સાંજે સ્થાનિક ધારાસભ્ય રાકેશ શાહ, કોર્પોરેટર ડો. સુજય મહેતા, પૂર્વ કોર્પોરેટર દીપક ભટ્ટ, સ્થાનિક આગેવાન રોહિત શાહ, જિગર ઉપાધ્યાય અને જનકસિંહ પરમાર વગેરેએ મેયર બીજલબહેન પટેલને મળીને મ્યુનિસિપલ તંત્ર નર્મદશ્વર મંદિરને ફરી બનાવી આપવા કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી, જોકે આ બાબત કાયદાકીય રીતે શકય ન હોઇ મેયર સાથેની બેઠકના અંતે સ્થાનિક રહેવાસીઓએ સ્વખર્ચે મંદિરના પુનઃનિર્માણની તૈયારી દર્શાવી છે. આ અંગે પૂર્વ કોર્પોરેટર દીપક ભટ્ટને પૂછતાં તેઓ કહે છે, પહેલાં તો ધ્વસ્ત કરાયેલા મંદિરનો કાટમાળ ત્યાંથી ખસેડીને સમગ્ર પરિસરને સ્વચ્છ કરાશે. ત્યારબાદ શેષનાગ, ત્રિશૂળ સહિતની મંદિર સંલગ્ન પવિત્ર વસ્તુઓને ડિમોલિશન દરમ્યાન હાનિ પહોંચી છે, તેની પ્રાણપ્રતિષ્ઠા કરવા સહિતના આયોજન માટેની ક્વાયત હાથ ધરાશે, જોકે જે પ્રકારે સ્થાનિક લોકપ્રતિનિધિઓ અને રહેવાસીઓમાં શિવમંદિરની પુનઃ સ્થાપના માટેનો ઉત્સાહ છે તેને જોતાં આગામી વસંતપંચમી જેવા વણજોયા મુહૂર્તના દિવસથી આ શિવમંદિર ફરીથી હર હર મહાદેવના જય ઘોષથી ગુંજી ઊઠે તેવી શકયતા છે.
દરમ્યાન આ મંદિર તોડવાની સૂચના કોણે આપી, મંદિર તોડનારા કર્મચારીના ઇન્ચાર્જ અધિકારી કોણ છે અને જે અધિકારીએ આ મંદિર તોડ્યું તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણીઓના સંદર્ભમાં ભાજપના સત્તાધીશો અને વહીવટીતંત્રે ભેદી મૌન પાળ્યું છે. તો બીજીબાજુ, આ સમગ્ર મામલે હિન્દુ જાગરણ મંચ દ્વારા આજે સાંજના પ.૩૦ વાગ્યા સુધીમાં સ્પષ્ટ જવાબ આપવાનું અલ્ટિમેટમ મેયર બીજલબહેન પટેલને અપાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલડી વોર્ડ મેયર બીજલબહેન પટેલનો પણ વોર્ડ હોઇ શિવમંદિરનું ડિમોલિશન ખુદ શાસક ભાજપ માટે પડકારરૂપ બન્યું છે. આટલા વર્ષો જૂનું શિવમંદિર ધ્વસ્ત કરી દેવાતાં સ્થાનિક રહીશોની અને અહીં દર્શન કરવા આવતાં હજારો શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી અને આસ્થા દુભાઇ છે તેમાં કોઇ બેમત નથી.