અમદાવાદ : ગુજરાતમાં તીવ્ર ઠંડીનું મોજુ અકબંધ રહ્યું છે. તીવ્ર ઠંડીની સ્થિતિ વચ્ચે એકબાજુ સ્વાઈન ફ્લૂનો આતંક જારી રહ્યો છે. બીજી બાજુ ઠંડના કારણે પણ લોકો હેરાન પરેશાન થયેલા છે. અલબત્ત પડોશી રાજ્ય રાજસ્થાનની સરખામણીમાં ઓછી ઠંડીનો અનુભવ ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં થઈ રહ્યો છે. આગામી ૪૮ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૦.૬ ડિગ્રી રહ્યું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૧૦થી ઉપર રહ્યો હતો. સૌથી વધારે ઠંડીનો અનુભવ પાટનગર ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં થયો હતો.
જ્યાં તાપમાન ક્રમશઃ ૯.૫, ૯.૫ અને ૯.૫ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં પારો ૧૦.૬ રહ્યો હતો. ઠંડા પવનો ફુંકાવાના કારણે સવારમાં લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. જાકે હવે ઠંડી વિદાય લેશે તેમ માનવામાં આવે છે. હવામાન વિભાગ તરફથ કોઈપણ પ્રકારની કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી નથી. જેથી રાહત રહેવાના સંકેત છે. આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. વહેલી સવારે કામ ઉપર જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ફરી એકવાર લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇ ગયા છે. સવારમાં અને મોડી સાંજે ઠંડીના ચમકારા વચ્ચે બપોરના ગાળામાં લોકોને આંશિક રાહત મળી રહી છે.
બીજી બાજુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે પણ હાલ ગયેલા પ્રવાસીઓ અટવાઈ પડ્યા છે કારણ કે અહીં તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો છે. પારો માઈનસ સુધી પહોંચી ગયો છે. પ્રવાસીઓને હોટલોમાં જ રહેવાની ફરજ પડી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસરને કારણે ઠંડીનું જાર વધ્યું છે જેને લઇને બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આજે છેલ્લા ઘણા દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાયો હતો જેન લઇને હિલ સ્ટેશનના મેદાની વિસ્તારોમાં ઘાસ પર, નાળાઓમાં, ઘરોની બહાર રાખેલા વાસણો અને કારની ઉપરના ભાગે બરફની ચાદરો જામી હતી.