નવી દિલ્હી : ભારતની સૌથી મોટી ઓનલાઈન રીટેલર ફ્લિપકાર્ટમાં ૭૭ ટકા હિસ્સેદારી ધરાવનાર અમેરિકા સ્થિત મહાકાય કંપનીઓ એમેઝોન અને વોલમાર્ટને માર્કેટ મૂડીની દ્રષ્ટીએ ૫૦ અબજ ડોલરનું નુકસાન થઈ ગયું છે. સરકાર દ્વારા સુધારવામાં આવેલી ઈ-કોમર્સની પોલિસી અમલી બનાવી દેવામાં આવ્યા બાદ આ બંને કંપનીઓને જંગી નુકસાન થઈ ગયું છે. બંને કંપનીને ભારતીય રીટેલ માર્કેટમાં ખુબ મોટી તાકાત ઝીંકી છે. એમેઝોને અહીં પાંચ અબજ ડોલર લગાવી દીધા છે. જ્યારે વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં કંટ્રોલીંગ હિસ્સેદારી ખરીદવા માટે ગયા વર્ષે ૧૬ અબજ ડોલર ખર્ચ કર્યા હતા. નાસ્ડેકમાં લિસ્ટેડ એમેઝોનના શેરમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો થતા તેની માર્કેટ મૂડીમાં ૪૫ અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો હતો.
આવી જ રીતે વોલમાર્ટના શેરન કિંમતમાં ન્યૂયોર્ક સ્ટોક એક્ષચેન્જમાં ૨.૦૬ ટકાનો ઘટાડો થતા તેની માર્કેટ મૂડી ૯૩.૮૬ અબજ ડોલર સુધી ઘટી ગઈ હતી. અમેરિકામાં શુક્રવારના દિવસે કારોબારના અંતે એમેઝોનની માર્કેટ મૂડી ૭૯૫.૧૮ અબજ ડોલર જ્યારે વોલમાર્ટની માર્કેટ મૂડી ૨૭૨.૬૯ ડોલર રહી હતી. એમેઝોનના શેરની કિંમતમાં ઘટાડો થતા આની અસર ભારતીય બજાર ઉપર પણ જાવા મળી રહી છે. ભારતમાં નવી પોલિસી અમલી બની રહી છે જેની સીધી અસર આ બંને કંપનીઓ ઉપર પણ થઈ છે. ઈ-કોમર્સના પ્રત્યક્ષ મૂડીરોકાણના નવા નિયમો શુક્રવારથી અમલી બની ગયા છે.
આ નવા નિયમ અમલી બની ગયા બાદ ગ્રાહકોને મળનાર અનેક સુવિધાઓ પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. નવી વ્યવસ્થામાં ગ્રાહકોને ચીજ વસ્તુઓ પહેલા જે એક બે દિવસમાં મળતી હતી તેની સરખામણીમાં હવે ચારથી સાત દિવસમાં મળશે. ઉપરાંત કિંમત પણ સરખામણીની દ્રષ્ટીએ વધારે ચુકવવી પડશે. મોબાઈલ, ઈલેકટ્રોનિક્સ, ગ્રોસરી, ફેશન સહિતની ચીજવસ્તુઓમાં નવા નિયમ બાદ એમેઝોનને પેદાશોને દુર કરવાની ફરજ પડી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે ક્લાઉડ ટેલ અને એપેરિયો જેવા સેલર્સે કામ કરવાનું બંધ કરી દીધું છે. આ બંને કંપનીઓમાં એમેઝોનની હિસ્સેદારી છે.