કોલકત્તા : ભાજપ પ્રમુખ અમિત શાહ બાદ બંગાળના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મમતા બેનર્જી ઉપર જોરદાર પ્રહારો કર્યા હતા. લોકોના પ્રેમને જોઈને લોકશાહી બચાવવાના નાટક કરીને મમતા બેનર્જીની સરકાર નિર્દોષ લોકોની હત્યા કરાવી રહી છે. આજની રેલીમાં ભીડ એટલી વધી ગઈ હતી કે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ત્યારબાદ મોદીએ ૧૪ મિનિટમાં જ પોતાનું ભાષણ ટુંકાવી દીધું હતું. મોદી જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે ભારે ભીડના કારણે કેટલાક લોકો એકબીજા સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ મોદીએ તેમને ધક્કામુક્કી ન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે કાર્યકર્તાઓના ઉત્સાહના કારણે આ જગ્યા ઓછી પડી રહી છે.
આના કારણે લોકોને સુવિધા મળી રહી નથી. મોદીએ લોકોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ સ્થિતિ યથાવત રહી હતી. જેના લીધે મોદીએ પોતાનું ભાષણ ટુંકાવી દીધું હતું. અહીં મોદીએ ઐતિહાસિક બજેટની પણ વાત કરી હતી અને કહ્યું હતું કે બજેટમાં જે યોજનાનો ઉલ્લેખ કરાયો છે તે યોજનાના કારણે ૧૨ કરોડથી વધારે નાના ખેડુતો અને ૩૦-૪૦ કરોડ શ્રમિકોને તથા ત્રણ કરોડથી વધારે મધ્યમ વર્ગના પરિવારોને સીધો ફાયદો થયો છે. મોદીએ કહ્યું હતું કે કેટલીક વખત ખેડુતોની સાથે લોન માફીની રાજનીતિ કરીને તેમની આંખમાં ધુળ નાખવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા છે પરંતુ આનાથી કોઈ ફાયદા થઈ રહ્યા નથી. લોન માફી કરીને ખેડુતોને કોઈ લાભ થશે નહીં. આનાથી ગણતરીના ખેડુતોને જ ફાયદો થઈ રહ્યો છે. નાના ખેડુતો ઈન્તજાર કરતા રહી જાય છે. જે લોકોને લોન માફીના લાભ મળતા હતા તેઓ દેવાદર બની જતા હતા. હાલમાં જ કેટલાક રાજ્યોમાં લોન માફીના નામ પર ખેડુતો પાસેથ વોટ મંગાયા હતા. એવા ખેડુતોની લોન માફી થઈ રહી છે જે ખેડુતોએ ક્યારેય લોન લીધી નથી. મધ્યપ્રદેશમાં ૧૩ રૂપિયાની લોન માફી થઈ છે. રાજસ્થાનમાં હવે એવા બહાના કરાઈ રહ્યા છે કે અમને ખબર નથી કે લોન માફીના કારણે આટલો બોજ આવનાર છે. કર્ણાટકમાં ખેડુતોની પાછળ પોલીસ પડી ગઈ છે.
આ તમામ બાબતો દર્શાવે છે કે કોંગ્રેસના લોનમાફીના વચનો કેટલા અસરકારક રહ્યા છે. ૧૩ રૂપિયાની લોન માફ મધ્યપ્રદેશમાં થઈ રહી છે જે હાસ્યાસ્પદ બનેલી છે. રાજસ્થાનમાં બહાનાબાજી કરી દેવાઈ છે.
બીજી બાજુ મોદીએ ઠાકુનગરમાં પોતાના સંબોધન દરમિયાન મતુવા સમુદાયની પણ વાત કરી હતી. મૂળભૂત રીતે આ સમુદાય પૂર્વીય પાકિસ્તાનમાંથી આવેલા છે. ધાર્મિક અત્યાચારના કારણે ૧૯૫૦ના દશકમાં આ લોકોએ અહીં આશરો લીધો હતો.