નવી દિલ્હી : એન્ટીબાયોટિક દવાના આડેધડ ઉપયોગની સાથે સાથે ફાર્મા પ્રદુષણ પણ બેક્ટિરિયા અને વાયરસને તાકતવર બનાવે છે. નાણાંકીય સંસ્થા નોરડિયા દ્વારા જારી કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દવા કંપનીઓમાંથી નિકળનાર રસાયણ અને મેટલ્સ પાણી તેમજ જમીનને અસર કરી રહ્યા છે. આ પાણી જમીનમાં પહોંચી ગયા બાદ જળ સંશાધનો મારફતે સામાન્ય લોકો સુધી પહોંચે છે. દવા મિશ્રિત આ પાણીના ઉપયોગથી લોકોના શરીરમાં જરૂર વગર દવા પહોંચી રહી છે.
જે બેક્ટિરિયા અને વાયરસમાં તેના માટે પ્રતિરોધ ઉભા કરે છે. આ અભ્યાસમાં ખાસ કરીને હૈદરબાદની દવા કંપનીઓના પ્રભુત્વવાળા વિસ્તારોની પસંદગી કરવામાં આવી છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે અહીં પાણીમાં દવા કંપનીઓમાંથી નિકળનાર લિક્વિડ અને હેવી મેટલ્સનુ પ્રમાણ નક્કી કરવામાં આવેલી હદ કરતા ખુબ વધારે છે. હૈદરાબાદ એક ફાર્મા હબ તરીકે છે.જ્યાં દર વર્ષે લાખો ટન દવા બને છે.
અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે અહીં પાણીમાં દરરોજ મોટા પ્રમાણમાં દવાના ઘટક તત્વો મળી રહ્યા છે. દવા કંપનીઓ પ્રદુષિત પાણીને ટ્રીટ કર્યા વગર અથવા તો આંશિક રીતે ટ્રીટ કરીને આગળ વધે છે. જરૂર વગર દવા લેવાથી તે માનવી શરીરમાં બેક્ટિરિયા અને વાયરસ માટે પ્રતિરોધ વધારે છે. જેના કારણે આજે કેટલીક એન્ટીબાયોટિક દવા બિનઅસરકારક સાબિત થઇ રહી છે.