અમદાવાદ: સેટેલાઇટ ટીવી ચેનલો માટે ગઇ કાલે ટ્રાઈની ડેડલાઇનનો છેલ્લો દિવસ હતો. આજે ૧લી ફેબ્રુઆરીથી ડીટીએચના નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે ત્યારે ટ્રાઈના નિર્ણયના વિરોધમાં અમદાવાદ શહેરના અંદાજે ૯૦૦ જેટલા કેબલ ઓપરેટર મધરાતથી તમામ પે ચેનલ દર્શાવવાનું બંધ કરશે. મનપસંદ ચેનલ જોવા માટે ગ્રાહકોએ નવી કિંમત અને નવા નિયમો અનુસરવાના રહેશે, ગ્રાહક હવે પોતાની રીતે-હિસાબથી ચેનલના પૈસા ચૂકવી શકશે, એટલે કે હવે ડીટીએચ કંપનીઓ એ ચેનલ નહીં બતાવી શકે, જેને લોકો જોવા નથી માગતા. ચેનલનું પેકેજ પસંદ નહી કરનાર ગ્રાહકોને માત્ર ફ્રી ચેનલો જ જોવા મળશે. ગ્રાહકને દરેક કનેક્શન દીઠ ૧૩૦ રૂ. ઉપરાંત તેની ઉપર ૧૮ ટકા સર્વિસ ટેકસ ચૂકવવો પડશે.
ગ્રાહકને ફ્રી ટુ એર માં કુલ ૧૦૦ ચેનલ જોવા મળશે. તે સિવાયની દરેક ચેનલ માટે અલગથી નાણાં ચૂકવવાં પડશે. દરેક ચેનલની કિંમત ફિકસ કરી દેવાઇ છે. દરેક ટીવી ચેનલનું નેટવર્કનું આખું પેકેજ વેચી રહી છે, જો પેકેજથી વધુ ચેનલ ગ્રાહકે જોઇતી હશે તો અલગથી પૈસા આપવા પડશે, ડીટીએચ ઓપરેટરોએ પોતે પોતાના પ્લાન તૈયાર કર્યા છે, તેમાંથી પણ ગ્રાહક ચેનલ મેળવી શકે છે. જો કોઇ પણ ગ્રાહકે માત્ર ને માત્ર ફ્રી ટુ એર ચેનલ જોવી હશે તો તેણે દર મહિને માત્ર ૧૫૪ રૂ. જ ભરવા પડશે. આ તમામ પ્લાન પસંદ કરવા માટે જે તે દર્શક પાસે માત્ર આજનો દિવસ જ બાકી રહયો છે. ટ્રાઈ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ સોની,સ્ટાર,ઝી,સહિતની ૪૨ બ્રોડકાસ્ટર્સની ૩૩૨ ચેનલ માટે જુદા જુદા ભાવ દર્શાવાયા છે. જેમાં ૧૦ પૈસાથી લઈને રૂ.૧૮૦૦ સુધીનો દર છે. જો કે મોટા ભાગની ચેનલોની કિંમત રૂ ૧૯ થી ૪૯ સુધીની છે.
ટ્રાઇના નવા નિયમ મુજબ, ગ્રાહકે ફ્રી ટુ એર માટે પણ નાણાં ચૂકવવાં પડશે. કેબલ ઓપરેટરને નવા નિયમ મુજબ પ્રતિ ગ્રાહક રૂ.૬૦ મળશે. હાલમાં કેબલ જોડાણ ધરાવતા દરેક ગ્રાહક મહિને ૩૦૦ થી ૫૦૦ ચૂકવી રહ્યા છે. નવા નિયમ મુજબ પેકેજ પ્રમાણે ચાર્જ ચૂકવવો પડશે, જોકે કેબલ ઓપરેટરોએ પણ તેમના ગ્રાહકોને વોટ્સએપ મેસેજ કરવાનું ચાલુ કરી દીધું છે, જેથી ગ્રાહકોએ તેમની ચેનલની પસંદગી કરીને નોંધણી કરવામાં સરળતા રહે. આ અંગે અમદાવાદ કેબલ એસોસિયેશન તરફથી જણાવાયું કે, હજુ સુધી કેબલ ઓપરેટરોએ પૂરતી તૈયારી કરી નથી, પરંતુ ટ્રાઇના આદેશ મુજબ આવતીકાલથી તમામ ગ્રાહકોએ ફ્રી ટુ એર ચેનલ સિવાયની પસંદગીની ચેનલ માટે કેબલ ઓપરેટરને નોંધણી કરાવવી પડશે. આમ, ટીવી દર્શકોને ટ્રાઇના નવા નિયમો અને ફેરફાર અંગે જાણકારી મેળવી પસંદગીનું પેકેજ મેળવી લેવાનું રહેશે.