કોર્પોરેશનનું સુધારાયેલું બજેટ એકાદ સપ્તાહમાં રજૂ થઇ શકે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ :  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦નું સુધારેલું બજેટ રૂ.૮૦૦૦ કરોડને સ્પર્શ કરે તેવી શક્યતા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલા રૂ.૭૫૦૯ કરોડના બજેટમાં શાસક પક્ષ ભાજપ દ્વારા રૂ.૪૫૦થી રૂ.૫૦૦ કરોડનો વધારો સૂચવાય તેવી પૂરી શકયતા છે અને તેને લઇને શાસક પક્ષનું બજેટ રૂ.આઠ હજાર કરોડને સ્પર્શે તેવો અંદાજ છે. શાસક પક્ષનું આ બજેટ એકાદ સપ્તાહમાં રજૂ થવાની પણ પૂરી સંભાવના છે. સૌથી મહત્વની અને નોંધનીય વાત એ છે કે, લોકસભાની આગામી ચૂંટણીને લઇ શાસક પક્ષ ભાજપ દ્વારા વિકાસલક્ષી કાર્યો અને પ્રોજેકટને સામેલ કરી બજેટને લોભામણું અને ફુલગુલાબી બનાવાય તેવી પણ પૂરી શકયતા છે.

સામાન્ય રીતે દર વર્ષે ઉત્તરાયણની આસપાસ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેની સંલગ્ન સંસ્થાઓનાં બજેટ એક પછી એક રજૂ થાય છે, પરંતુ આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત, ફ્‌લાવર શોના કારણે વિલંબમાં મુકાયેલ આયોજન, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ તેમજ ભાજપના યુવા અને મહિલા મોરચાના વિવિધ કાર્યક્રમોના કારણે વિલંબમાં મુકાયાં છે. જા કે, આગામી તા. ૨૦ ફેબ્રુઆરી પહેલાં આ તમામ બજેટને બજેટ બેઠકમાં મંજૂરી અપાવીને રાજ્ય સરકારને મોકલવાનાં હોય છે. જેથી  શાસક પક્ષ દ્વારા રૂ. ૮૦૦૦ કરોડનું સુધારિત બજેટ આગામી તા. પથી ૭ ફેબ્રુઆરી આસપાસ રજૂ કરાય તેવી શક્યતા છે. ગઈકાલે શાસક પક્ષ દ્વારા વી.એસ. હોસ્પિટલ અને એમ. જે. લાઈબ્રેરીનાં સુધારિત બજેટ જે તે સંસ્થાના બોર્ડમાં રજૂ કરાયાં હતાં. આના પહેલાં શાસકો એએમટીએસ અને સ્કૂલબોર્ડનાં સુધારિત બજેટ રજૂ કરી ચૂક્યા છે. આમ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંલગ્ન ચારેય સંસ્થાઓનાં સુધારિત બજેટ રજૂ થયાં છે, જ્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ગત તા. ૨૨ જાન્યુઆરીએ રૂ. ૭૫૦૯ કરોડનું ડ્રાફ્‌ટ બજેટ રજૂ કર્યું હતું,

જેમાં શાસકો દ્વારા રૂ. ૪૫૦ કરોડનો વધારો કરીને આશરે રૂ. ૮૦૦૦ કરોડનું સુધારિત બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાશે, જેમાં નવા ફ્‌લાય ઓવરબ્રિજ સહિતના વિકાસલક્ષી પ્રોજેક્ટનો સમાવેશ કરાશે. આગામી નાણાકીય વર્ષમાં તંત્રના રૂ. ૭૦૦ કરોડના બોન્ડના કારણે સત્તાધીશોને વિકાસલક્ષી પ્રોજેક્ટનું આયોજન કરવામાં સરળતા પડશે તેમ ચર્ચાઈ રહ્યું છે, જોકે અગાઉ રૂ. ૭૦ કરોડનો કોન્ઝવર્ન્સી ટેક્સનો ભાર નાગરિકો પર પડી ચૂક્યો હોઈ નવા વેરાની કોઇ શકયતા નથી. ગયા રવિવારે મેયર બંગલે ધારાસભ્યો અને કોર્પોરેટરો પાસે બજેટનાં સૂચન અંગેની બેઠક યોજાયા બાદ હવે પક્ષની પરંપરા મુજબ સ્ટેન્ડિંગ ચેરમેન અમૂલ ભટ્ટ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ પણ મોવડીમંડળ સાથે બેઠક યોજીને બજેટને અંતિમરૂમ આપશે અને આખરે તે વિધિવત્‌ રજૂ કરાશે.

 

Share This Article