લખનૌ : અખિલેશ યાદવ ઉપર ગેરકાયદે માઇનિંગ અને રિવરફ્રન્ટ કૌભાંડ ઉપર સકંજા મજબૂત કરવામાં આવ્યા બાદ હવે ઇડીએ માયાવતી સામે પણ સકંજા મજબૂત કરી લીધો છે. માયાવતી સરકારની અવધિમાં ૧૪ અબજના સ્મારક કૌભાંડમાં ઇડીએ બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીના નજીકના લોકો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આજે ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ અને એનસીઆરમાં છ સ્થળો ઉપર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડીએ લખનૌના ગોમતીનગરમાં એન્જિનિયર, ઠેકેદારો અને સ્મારકોના કૌભાંડ સાથે જોડાયેલા લોકોના સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા.
ઇડી દ્વારા ૧૪૦૦ કરોડ રૂપિયાના સ્મારક કૌભાંડમાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસ માટે વિજિલન્સમાં સાત ઇન્સ્પેક્ટરોની એક એસઆઈટીની રચના કરવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે, વિજિલન્સ તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સોંપી દીધા બાદ ઇડીએ કાર્યવાહી હાથ ધરી છે. સ્મારક કૌભાંડને લઇને માયાવતી સામે કાર્યવાહી થશે તેવી શંકા પહેલાથી જ દેખાઈ રહી હતી.
બહુજન સમાજ પાર્ટીના બે પૂર્વ મંત્રીઓ અને માયાવતીના નજીકના સાથીઓ નસીમુદ્દીન સિદ્દીકી અને બાબુસિંહ કુશવાહ મારફતે માયાવતી ઉપર સકંજા મજબૂત કરવામાં આવી રહ્યો છે. સમાજવાદી પાર્ટીની સાથે બહુજન સમાજ પાર્ટીએ હાથ મિલાવ્યા છે. તેમની અવધિમાં સ્મારક કૌભાંડની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી હતી. સપાના ગાળા દરમિયાન સ્મારક કૌભાંડમાં ગોમતીનગરમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. શરૂઆતી તપાસ તીવ્ર બનાવવામાં આવ્યા બાદ મામલો ઠંડો પડી ગયો હતો. ઇડીના સુત્રોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો સ્મારક કૌભાંડમાં માયાવતીની તકલીફમાં વધારો થઇ શકે છે. ૧૪ અબજના કૌભાંડમાં મામલો ગરમ બને તેવા સંકેત છે.