અમદાવાદ : અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં એક કોમ્પલેક્સમાં રબર, રેકઝીન, યુ ફોમ-થર્મોકોલના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયંકર હતી કે, ધુમાડાના ગોટેગોટા ખૂબ ઉંચે સુધી સમગ્ર વિસ્તારમાં નજરે પડતા હતા. સૌથી નોંધનીય અને મહત્વની વાત એ હતી કે, જે ગોડાઉનમાં આગ લાગી તેની ઉપર જ પહેલા માળે ખાનગી ટયુશન કલાસીસમાં ૧૬ બાળકો ભણવા આવ્યા હતા, તેઓને સમયસર અને હેમખેમ બચાવી લેવાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહતની લાગણી ફેલાઇ ગઇ હતી.
૧૨થી વધુ ફાયર ફાઇટરોની મદદથી કલાકોની ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી. એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે આગને બુઝાવવામાં ભારે સાહસિકતા દાખવી સુઝબુઝભરી કામગીરી હાથ ધરી હતી અને જયાં સુધી આગને કાબૂમાં ના લઇ શકાઇ ત્યાં સુધી તેઓ જાતે આગ બુઝાવવાની કામગીરીમાં જાતરાયેલા રહ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ સમયસર ટયુશન કલાસીસના ૧૬ બાળકો અને સ્થાનિકો સહિત આશરે ૪૫ જણાંને બચાવી લેતાં સ્થાનિક નાગરિકોએ અને આ આગને વધુ આસપાસની દુકાનો અને રહેણાંક વિસ્તારમાં નહી પ્રસરવા દેવા બદલ ફાયરબ્રિગેડની કામગીરીને બિરદાવી હતી અને રાહતની લાગણી અનુભવી હતી. શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલા કોમ્પલેક્સમાં નીચે આવેલા થર્મોકોલ અને યુ ફોમના ગોડાઉનમાં કોઇક કારણસર આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં, તો આગની જવાળાઓ ઉપરના માળો સુધી પ્રસરવા લાગી હતી, બીજીબાજુ, ગોડાઉનની ઉપર પહેલા માળે આવેલા ટયુશન કલાસીસમાં ભણવા આવેલા ૧૬ જેટલા વિદ્યાર્થીઓને સ્થાનિકોની મદદથી ફાયરબ્રિગેડના જવાનોએ હેમખેમ સલામત સ્થળે ખસેડયા હતા, જેને પગલે વિદ્યાર્થીઓના વાલીઓ અને સ્થાનિક નાગરિકોમાં રાહતની લાગણી ફેલાવા પામી હતી.
આ અંગે ઘટનાસ્થળે હાજર એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, આગ બહુ ભયંકર અને વિકરાળ હતી પરંતુ ફાયરબ્રિગેડના જવાનોએ ૧૨થી વધુ ફાયર ફાઇટરોની મદદથી આશરે ૯૦ હજાર લિટરથી વધુ પાણીનો મારો ચલાવી ત્રણેક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લઇ લીધી છે. જા કે, ગોડાઉનની ઉપર પહેલા અને બીજા માળે ટયુશન કલાસીસના ૧૬ બાળકો ઉપરાંત સ્થાનિક રહીશો, ઘરઘાટી સહિતના લોકોની કેટલીક રૂમો પણ આવેલી હતી, જેમાંથી ૨૦ થી ૨૫ લોકોને સહીસલામત રીતે અન્યત્ર ખસેડી લેવાયા હતા. આમ, આગની સમગ્ર ઘટના દરમ્યાન કુલ ૪૦થી ૪૫ લોકોને સમયસર અને અદ્ભુત રીતે બચાવ કરાયો છે. એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે વધુમાં જણાવ્યું કે, આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી પરંતુ જે ગોડાઉનમાં આગ લાગી તે અરિહંત ટ્રેડીંગ કંપની રબર, ડનલોપ, યુફોમ અને થર્મોકોલ વગેરેની મદદથી વ્યવસાય સાથે સંકળાયેલ છે અને તેના માલિક મિલિન્દ ચંદ્રકાંત દોશીને વેજલપુર પોલીસ સમગ્ર ઘટના અંગે વધુ પૂછપરછ અર્થે લઇ ગઇ છે. આગના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી, ખાસ કરીને રહેણાંક એરિયા હોઇ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ ફાયરબ્રિગેડના જવાનોએ બહુ પ્રશંસનીય કામગીરી હાથ ધરી ગણતરીના કલાકોમાં આગ કાબૂમાં લઇ લીધી હતી, જેના પરિણામે, સમગ્ર બનાવમાં કોઇ ઇજા કે જાનહાનિ નોંધાઇ ન હતી.