અમદાવાદ : શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી મણિનગર નાગરિક સહકારી બેન્કનું સ્ટેટિક આઇપી તથા યુઝર્સ અને પાસવર્ડે હેક કરીને દસ લાખ રૂપિયાનું આરટીજીએસ દ્વારા દિલ્હીની એક કંપનીમાં ટ્રાન્સ્ફર કરી દેવાની ઘટના સામે આવી છે. મણિનગર સહકારી બેન્કમાં સાયબર એટેક થતાં અન્ય બેન્કો માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે. હેકર્સે દસ દસ લાખનાં ત્રણ આરટીજીએસ કર્યા હતા. જા કે, એક જ આરટીજીએસ સફળ થયું હતું.
મણિનગર પોલીસે સમગ્ર ઘટના અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલ ઇશ્વરબાગ સોસાયટીમાં રહેતા અને મણિનગર નાગરિક સહકારી બેન્ક લિમિટેડમાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા કનુભાઇ સોલંકીએ દસ લાખ રૂપિયાનાં ચીટિંગની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં કરી છે. જે મુજબ, મણિનગર નાગરિક સહકારી બેન્કનું એકાઉન્ટ એચડીએફસી બેન્કમાં છે. જેથી તમામ ગ્રાહકોના આરટીજીએસ અને એનઇએફટી વગેરે ઓનલાઇન કામ એચડીએફસી મારફતે થાય છે. મણિનગર સહકારી બેન્ક એચડીએફસી બેન્કની સબ મેમ્બર છે.
ગઇકાલે કનુભાઇને જાણ થઇ હતી કે એચડીએફસી બેન્કના એકાઉન્ટમાં દસ લાખ રૂપિયા ઓછા બતાવે છે. તપાસ કરતાં જાણવા મળ્યું હતું હતું કે દસ દસ લાખનાં ત્રણ આરટીજીએસ ખોટાં થયાં છે. કોઇ અજાણ્યા શખ્સે બેન્કનું સ્ટેટિક આઇ.પી. તથા યુઝર્સ અને પાસવર્ડ હેક કર્યું હતું. હેકર્સે દસ દસ લાખના ત્રણ આરટીજીએસ કર્યા હતા. જેમાં એક દસ લાખનું આરટીજીએસ સફળ રહ્યું હતું. મણિનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે બેંકના કર્મચારીઓ અને અધિકારીઓની પણ પૂછપરછ હાથ ધરી છે.