નવી દિલ્હી : વર્ષ ૧૯૭૪માં રેલ હડતાળ બાદ દેશની રાજનીતિમાં એક શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવેલા પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝનુ આજે સવારે અવસાન થયુ હતુ. લાંબી માંદગી બાદ તેમનુ અવસાન થતા તેમના લાખો સમર્થકોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ દુખ વ્યકત કર્યુ હતુ. આજે સવારે દિલ્હીમાં ફર્નાન્ડિઝે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓએ જોરદાર રીતે દેશમાં ઇમરજન્સી લાગુ કરવાનો વિરોધ કર્યો હતો. સંરક્ષણ પ્રધાન અને રેલવે પ્રધાન તરીકે જ્યોર્જે સેવા આપી હતી.
જ્યોર્જની સમગ્ર લાઇફ અને રાજકીય કેરિયર બળવા, વિવાદ અને સફળતાના દાખલાથી ભરેલી છે. ઇમરજન્સીના ગાળા દરમિયાન જ્યોર્જે ધરપકડને ટાળવા માટે પાઘડી પહેરી હતી. શિખ વેશમાં થોડાક સમય રહ્યા હતા. જ્યારે ધરપકડ કરવામાં આવ્યા બાદ તિહાર જેલમાં કેદીઓને ગીતાના શ્લોક સંભળાવતા હતા. તેઓ આઠથી વધારે ભાષા જાણતા હતા. હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત અને કન્નડ ભાષા પર તેમની પક્કડ હતી. સાહિત્યને લઇને પણ તેઓ નિષ્ણાંત હતા.
હાલમાં છેલ્લા કેટલાક સમયથી તેઓ બિમાર ચાલી રહ્યા હતા. વર્ષ ૨૦૦૧થી લઇને ૨૦૦૪ના ગાળા દરમિયાન તેઓ સંરક્ષણ પ્રધાન તરીકે રહ્યા હતા. એ વખતે વાજપેયીના નેતૃત્વમાં એનડીએ સરકાર હતી. સંરક્ષણ ઉપરાંત જ્યોર્જે કોમ્યુનિકેશન, ઇન્ડસ્ટ્રીઝ, રેલવે જેવા ખાતા પણ સંભાળી લીધા હતા. તેઓ જનતા દળના ચાવીરૂપ નેતા હતા. ત્યારબાદ તેઓએ વર્ષ ૧૯૯૪માં સમતા પાર્ટીની રચના કરી હતી. જે મોડેથી જનતા દળ યુમાં મર્જ થઇ ગઇ હતી.