અમદાવાદ : ભારતમાં સૌપ્રથમવાર હવે ક્રિકેટની આઇપીએલ બાદ બેડમીન્ટન, ફુટબોલ અને કબડ્ડીની લીગ મેચો બાદ હવે પ્રિ-વોલીબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨ ફેબ્રુઆરીથી તા.૨૨ ફેબ્રુઆરી દરમ્યાન પ્રિ-વોલીબોલ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પીવીએલની પ્રથમ સિઝનમાં કુલ છ ટીમો ભાગ લેશે. જેમાં અમદાવાદની અમદાવાદ ડિફેન્ડર્સ ટીમ પણ હોટ ફેવરીટ મનાઇ રહી છે એમ અમદાવાદ ડિફેન્ડર્સના માલિક ડો.ડી.જી.ચૌધરી અને બોન હોમી સ્પોર્ટસ ઇવેન્ટ મેનેજમેન્ટના ડિરેકટરર વિશાલ દેસાઇએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં હવે વોલીબોલની રમત પ્રત્યેનો ક્રેઝ અને તેની લોકપ્રિયતા વધતી જાય છે ત્યારે વોલીબોલ રમતના સારા અને પ્રતિભાવંત ખેલાડીઓને એક રાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવા અને તેઓને ઇન્ટરનેશનલ અને ઓલિમ્પિક ખેલાડીઓ સાથે રમત રમવાનું પ્રોત્સાહન પૂરું પાડવાના ભાગરૂપે ભારતમાં સૌપ્રથમવાર વોલીબોલ પ્રિમીયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.૨જી ફેબ્રુઆરીએ કોચી ખાતે પ્રિ વોલીબોલ લીગનું વિધિવત્ ઉદ્ઘાટન થશે. પ્રિ વોલીબોલ લીગ ટુર્નામેન્ટમાં આ પ્રથમ સીઝનમાં છ ટીમો ભાગ લેશે. પ્રો વોલિબોલ લિગની અમદાવાદની ટીમમાં રણજીત સિંઘ , ગુરીન્દ્ર સિંઘ , રાહુલ ગ્રાક , ગગનદીપ સિંઘ ,જી.આર.વૈશ્ણવ, રમનકુમાર ,સૈયદ મુબારક અલિ , લિજોય રોબિન ,નોવિકા બિજેલિકા ,વિકટર સિસોવ, રજત બોડલા, દિલીપ ખોઇવાલ ,મનોજકુમાર ,પાર્થ, મનદીપ સિંઘ તથા હેડ કોચમાં અજય જાંગરાનો સમાવેશ છે. અમદાવાદ ડિફેન્ડર્સના માલિક ડો.ડી.જી.ચૌધરી અને બોન હોમી સ્પોર્ટસ ઇવેન્ટ મેનેજમેન્ટના ડિરેકટરર વિશાલ દેસાઇએ વધુમાં ઉમેર્યું કે, બે તબક્કામાં વોલીબોલ પ્રિમીયર લીગની રસાકસીભરી મેચો યોજાશે. જેમાં તા.૨થી ૧૩ ફેબ્રુઆરી સુધી કોચી ખાતે અને તા.૧૩થી તા.૨૨મી ફેબ્રુઆરી સુધી ચેન્નાઇ ખાતે પ્રો વોલીબોલ લીગની મેચો ખેલાશે. વોલિબોલ લિગની આ પ્રથમ સિઝનમાં ૬ ટીમ ભાગ લેનાર છે.
જેમાં બોનહોમી સ્પોર્ટસ ઇવેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિ.ની માલીકીની અમદાવાદ ડીફેન્ડર્સની ટીમ અન્ય ટીમોનો આ લિગમાં મુકાબલો કરશે. આ ટીમના માલિક ડો.ડી.જી. ચોધરી બોનહોમી સ્પોર્ટસ ઇવેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિ. ના સ્થાપક, ડીરેકટર હોઇ તેમણે વોલિબોલ અને બાસ્કેટ બોલના ક્ષેત્રમાં અગમ્ય ઉત્સાહ દર્શાવ્યો છે. વિશાલ દેસાઇ બોન હોમી સ્પોર્ટસ ઇવેન્ટ મેનજમેન્ટના ડીરેકટર છે, તેઓ આપ બળે આગળ આવેલા ઉધોગસાહસિક છે. પ્રવિણ ચૌધરી બોન હોમી સ્પોર્ટસ ઇવેન્ટ મેનજમેન્ટના ડીરેકટર છે અને સરકારી તેમજ ખાનગી ક્ષેત્રોનો બહોળો અનુભવ ધરાવે છે. જયારે શંકર ચૌધરી બોન હોમી સ્પોર્ટસ ઇવેન્ટ મેનજમેન્ટના ડીરેકટર છે હાલ યુએસએમાં રહે છે. આ તમામ મહાનુભાવોએ પ્રો વોલીબોલ લીગના આયોજનમાં જહેમત ઉઠાવી છે.