નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત નેશનલ કેડેટ કોર્પ્સ રેલીમાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મોદીએ એનસીસી કેડેટને સંબોધન કર્યું હતું. પોતાના ભાષણની શરૂઆતમાં મોદીએ કહ્યું હતું કે જ્યારે તેઓ તેમની સાથે વાતચીત કરી રહ્યા છે ત્યારે કેટલાક ભૂતકાળની યાદો તાજી થઇ જાય છે. મોદીએ કહ્યું હતું કે, અમારી સેનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, અમે કોઇને છેડતા નથી પરંતુ કોઇના દ્વારા છેડવામાં આવે તો અમે છોડતા પણ નથી. મોદીએ કહ્યું હતું કે, અમારી સેના શાંતિની દિશામાં કામ કરી રહી છે પરંતુ દેશની સુરક્ષામાં કોઇપણ પગલા લેવામાં ખચકાટ અનુભવ કરતા નથી.
આજ કારણ છે કે, છેલ્લા સાડા ચાર વર્ષના ગાળામાં દેશની સુરક્ષાને સર્વોપરિતા તરીકે માનીને અનેક મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. ભારત આજે દુનિયાના દેશોમાં મજબૂતી સાથે છે. જમીન, આકાશ અને દરિયામાં તેની તાકાત અનેકગણી વધી છે. યુદ્ધવિમાનો, આધુનિક તોપ અને અન્ય સમજૂતિ કરવામાં આવી છે. દેશમાં પણ મિસાઇલોથી લઇને ટેંક, દારુગોળા અને હેલિકોપ્ટરનું નિર્માણ થઇ રહ્યું છે. નોર્થઇસ્ટ માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે.
એનસીસી કેડેટ્સની મોદીએ ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિશ્રમ કરવાના સારા પરિણામ મળે છે. આ બાબતને સમજવા માટે વધારે દૂર જવાની જરૂર નથી. હાલમાં જ અનેક સાથીઓએ ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી છે. ટ્રેકિંગ, પર્વતારોહણ જેવા ક્ષેત્રોમાં મોટી સફળતા મેળવી છે. એથ્લેટિક્સના ક્ષેત્રમાં પણ મોટી સફળતાઓ મળી છે. તેમણે કહ્યું હતું કે, ભારત એવા દેશોમાં સામેલ છે જે કોઇપણ હથિયારનો ઉપયોગ કરી શકે છે.