રાયપુર : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે એક મોટી જાહેરાત છત્તીસગઢમાં કરીને ભાજપની ઉંઘ હરામ કરી દીધી હતી. રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે, જો ૨૦૧૯માં કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો દરેક ગરીબને લઘુત્તમ આવકની ગેરંટી આપવામાં આવશે. રાહુલે કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક પગલું છે. આનાથી ગરીબી અને ભુખમરાને ખતમ કરવામાં મદદ મળશે. રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, મોદી અને ભાજપ બે ભારત બનાવવા માટે ઇચ્છુક છે. નવા રાયપુરમાં ખેડૂત રેલીને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, જે રીતે કોંગ્રેસ પાર્ટીએ મનરેગામાં ૧૦૦ દિવસ માટે રોજગારી ગેરંટી આપી હતી. અધિકારમાં ગેરંટી સાથે બ્યુરોક્રેસીના દરવાજા ખુલ્યા હતા. ભોજનના અધિકારની ગેરંટી આપી હતી તેવી જ રીતે હવે ન્યુનતમ ગેરંટી નાણાની પણ આપવામાં આવશે. મોદી ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ભાજપ અને દેશના વડાપ્રધાન બે ભારત બનાવવા ઇચ્છુક છે. એક રાફેલ કૌભાંડ અને ઉદ્યોગપતિઓના મિત્રોનું ભારત અને અન્ય ગરીબ ખેડૂતોનું ભારત બનાવવા ઇચ્છુક છે.
પાક વિમા યોજના ઉપર પ્રશ્નો ઉઠાવતા રાહુલે કહ્યું હતું કે, ખેડૂત પોતાના પૈસા વિમા કંપનીને આપે છે અને કમોસમી વરસાદની સ્થિતિમાં તેના પૈસા મળતા નથી. અનિલ અંબાણીને પુરતા પૈસા મળી જાય છે. લોન માફી યોજનાનો વિરોધ કરતા રાહુલે કહ્યું હતું કે, અમે વિપક્ષમાં છીએ ત્યારે પણ ખેડૂતોની લોન માફીની વાત કરીએ છીએ. સરકારમાં જ્યારે પુછવામાં આવે છે ત્યારે જવાબ મળે છે પૈસા નથી. ભારતના ચોકીદારની પાસે છત્તીસગઢના ખેડૂતો માટે ૬૦૦૦ કરોડ રૂપિયા નથી પરંતુ અનિલ અંબાણી માટે ૩૦૦૦૦ કરોડ રૂપિયા છે.
ન્યુનતમ આવકની ગેરંટી એક પ્રકારથી યુનિવર્સલ બેઝિક ઇન્કમ સ્કીમ છે. આ સ્કીમ હેઠળ સરકાર દેશના ગરીબોને કોઇપણ શરત વગર એક ચોક્કસ રકમ આપે છે. આનો મતલબ એ થયો કે, જા યોજના અમલી બનશે તો સરકારને દેશના દરેક ગરીબ નાગરિકને એક ચોક્કસ રકમ ચોક્કસ અંતર પર આપવી પડશે. અલબત્ત આ સ્કીમ હેઠળ ગરીબોની પરિભાષા શું રહેશે તે સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, આ પ્રકારની સ્કીમ વિશ્વમાં કોઇપણ જગ્યાએ શરૂ કરવામાં આવી નથી. વિશ્વમાં કોઇપણ જગ્યાએ આવી સ્કીમ નથી. રાહુલે કહ્યું હતું કે, જ્યારે અમારા લાખો ભાઈ-બહેનો ગરીબીના સકંજામાં છે ત્યારે ન્યુ ઇન્ડિયાની રચના કરી શકાય નહીં. કોઇપણ વ્યક્તિ ભુખ્યા રહેશે નહીં તેવી અમારી ગણતરી છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, અન્ય રાજ્યોમાં આ સ્કીમની શરૂઆત કરવામાં આવનાર છે. કોંગ્રેસ આ ઐતિહાસિક નિર્ણયને અમલી કરશે. કિસાન આભાર સંમેલનમાં રાહુલે અન્ય મુદ્દા ઉપર પણ વાત કરી હતી. રાહુલે એમપણ કહ્યું હતું કે, લોન માફીના મુદ્દે મોદી સરકાર આગળ વધી રહી નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, જમીન અધિગ્રહણમાં પણ પારદર્શકતાના અધિકારને રોકવાના પ્રયાસ થઇ રહ્યા છે.