ઘણી સ્ત્રીઓ કહેતી હોય છે કે મારે પણ જમાના પ્રમાણે અપડેટ રહેવું છે. ઘણી સ્ત્રીઓ અન્ય વિશે વાત કરતી હોય છે કે ફલાણા વ્યક્તિ જમાના પ્રમાણે રહેતા નથીને એટલે એમને કોઈ પુછતું પણ નથી. સલાહોમાં પણ આ વાક્ય સાંભળવા મળે છે કે જો તું જમાના પ્રમાણે અપડેટ રહીશ તો જ તારા દિકરાઓ તારી ગણતરી કરશે. તો જ તારા પતિને ગમતી રહીશ…વગેરે વગેરે…
આ દરેક વાતમાં કોમન એક વાત એ છે કે જમાના પ્રમાણે અપડેટ રહેવું. પ્રશ્ન એ થાય કે ખરેખર જમાના પ્રમાણે અપડેટ રહેવું એટલે શું ?
જમાના પ્રમાણે અપડેટ રહેવું એટલે જે તમારી આસપાસ ચાલતું હોય તેનાથી વાકેફ રહેવું. આપણે જોતા હોઈએ છીએ કે ઘણી મહિલાઓ પોતાના રૂટીનમાં એટલી તો ડૂબી ગઈ હોય છે કે તેની આસપાસ, તેના શહેરમાં, દેશમાં શું ચાલી રહ્યું છે તેનાથી તેને કોઈ લેવાદેવા જ ન હોય. એવી ઘણી સ્ત્રીઓ છે જેને છાપુ કે સમાચારનાં નામે પણ ચીડ હોય. મોબાઈલમાં પણ વોટ્સએપ અને ફેસબુકમાં ફોટો મૂકતાં અને લાઈક કરતાં સિવાય વધુ ન આવડતું હોય. ટીવીમાં પણ સીરીયલો સિવાય કંઈ ન જોતી હોય. જો તેનું રૂટીન કામ ડિસ્ટર્બ થાય તો તે પણ ડિસ્ટર્બ થઈ જાય. આવા તો અનેક ઉદાહરણો છે. શું તમે તો આમાથી એક નથી ને…?
જો હોય તો પણ વાંધો નહીં.. અહીં હું તમને જણાવીશ કે જમાના પ્રમાણે અપડેટ રહેવું એટલે શું કહેવાય.
- એક તો જે ટ્રેન્ડ ચાલતો હોય તે પ્રમાણે કપડાં, જૂતા અને ઘરેણાં પહેરો. સમયની સાથે સાથે પોતાનો મેકઓવર કરીને જમાના સાથે રહી શકાય.
- રસ ન હોય તો પણ આપણી આસપાસની દુનિયામાં શું થઈ રહ્યું છે તે માટે થોડી સજાગતા કેળવો. તમારા એરિયામાં કઈ જગ્યાએ શું સારુ મળે છે, ક્યાંનું શું વખણાય છે તે જાણવાથી પણ અપડેટ રહેવાની શરૂઆત કરી શકો.
- સમાચાર વાંચવા ન ગમતા હોય તો પણ છાપાને હાથમાં લઈ ઉપરછલ્લુ પણ મોટી મોટી હેડલાઈન અને સબટાઈટલ વાંચી લો. ટીવીમાં આવતી ન્યૂઝ હાઈલાઈટ જોવાનું રાખો. જેમાં ફટાફટ પણ દેશ વિદેશમાં શું ચાલી રહ્યું છે તે અંગે અપડેટ રહેવાય.
- તમારા પતિ સાથે બેસીને ઘર સિવાયની અન્ય વાતો કરો. તમારા કે તેમના ઈન્ટ્રેસ્ટની કોઈ વાત પર ગહન ચર્ચા કરો અથવા તો એવા લોકો સાથે બેસવા ઉઠવાનું રાખો જેને ઘણીબધી જાણકારી હોય. જે લોકો પાસે વાત કરવાથી આપણને હંમેશા કંઈક નવું જાણવા મળતું હોય.
- સંતાનોનાં અભ્યાસની બુક વાંચો. ગુગલ પર તેના વિશે જાણો. તેમની પાસે બેસી તેમનાં રૂટીન વિશે જાણો. તેમનાં મિત્રોનાં વાલીઓનાં સંપર્કમાં રહો. તેમનાં ટીચરને મળતાં રહો.
- રસોઈમાં, ગેમ, ટેકનોલોજી, કીચન અપ્લાયન્સમાં શું શુ નવું આવ્યું છે તે જાણતાં રહો. તેનાં માટે બધુ ખરીદવાની જરૂર નથી પણ સમયાંતરે બહાર જઈને વિન્ડોશોપિંગ કરતાં રહો.
- જરૂર ન હોય તો પણ મહીને બે મહીને આસપાસનાં સુપરમોલમાં એકાદ ચક્કર મારતાં રહો. જેથી લેટેસ્ટ ટ્રેન્ડ વિશે તમને જાણ રહે.
- પોતાનાં સ્વાસ્થ્ય વિશે જાગૃતતા કેળવો અને પોતાની કોઈ એક હોબીને આગળ વિકસાવો.
- સમયાંતરે મોબાઈલમાં પણ ડીપી ચેન્જ કરતાં રહો. ફેસબુક અને નવી આવતી એપ્લિકેશન્સ વિશે પણ જાણકારી મેળવીને અપડેટ રહો.
- ઘરને પણ સમય સમયે અલગ અલગ રીતે સજાવતા રહો.
આવી તો ઘણી બધી વસ્તુઓ છે જેને ધ્યાનમાં રાખીને તમે જમાના પ્રમાણે અપડેટ રહી શકો. પણ બેઝિક માટે આટલું પહેલા ટ્રાય કરો.