ચંદીગઢ : હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભુપેન્દ્રસિંહ હુડ્ડાના રોહતક સ્થિત આવાસ પર આજે સવારે સીબીઆઇની ટીમે વ્યાપક દરોડા પાડ્યા હતા. સુત્રોએ કહ્યુ હતુ કે વ્યાપક દરોડાની કાર્યવાહી મોડે સુધી ચાલી હતી. દરોડા પાડવામાં આવ્યા ત્યારે હુડ્ડા આવાસ પર જ હતા. સીબીઆઇની ટીમે કોઇને અંદર અથવા તો બહાર જવાની તક આપી ન હતી. સીબીઆઇની ટીમે આજે સવારે દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં એક સાથે ૩૦થી વધારે સ્થળ પર દરોડા પાડ્યા હતા. સીબીઆઇની ટીમે વર્ષ ૨૦૦૫માં એસોસિએટ્સ જર્નલ લિમિટેડને ખોટી રીતે જમીન ફાળવવાના મામલે આ દરોડા પાડ્યા હતા. દરમિયાન સીબીઆઇ દ્વારા હુડ્ડાની સામે એક અન્ય કેસ પણ દાખલ કરી લીધો છે.
સીબીઆઇની ટીમે ભુપેન્દ્રસિંહ હુડ્ડા, વરિષ્ઠ કોંગ્રેસી નેતા મોતીલાલ વોરા અને એજેએલની સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. હાલમાં જ હરિયાણાના રાજ્યપાલ નારાયણ આર્યે દ્વારા ચર્ચાસ્પદ એજેએલના મામલામાં સીબીઆઇને હુડ્ડાની સામે કાર્યવાહી કરવાની મંજુરી આપી દીધી હતી. પૂર્વ મુખ્યપ્રધાન પર એજેએલને તેના અખબાર માટે પંચકુલામાં નિયમોનો ભંગ કરીને જમીનની ફાળવણી કરી હત. વર્તમાન ભાજપ સરકારે વર્ષ ૨૦૧૬માં આ મામલો સીબીઆઇને તપાસ માટે સોંપી દીધો હતો. ભાજપે સત્તામાં આવતા પહેલા હરિયાણામાં હુડ્ડાનો આ મામલો ચૂંટણમાં મુખ્ય મુદ્દો બનાવ્યો હતો.
સાથે સાથે સત્તા મળતાની સાથે જ તપાસનો સિલિસિલો શરૂ કરવામાં આવ્યો હતો. આજે સવારે સીબીઆઇની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસના કાર્યકરોમાં પણ સોંપો પડી ગયો હતો. હુડ્ડા તરફથી હજુ સુધી કાર્યવાહી મામલે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.