નવી દિલ્હી : સીબીઆઇએ આઇસીઆઇસીઆઇના પૂર્વ સીઇઓ ચંદા કોચર કેસમાં એફઆઇઆર દાખલ કરી દીધી છે. એફઆઇઆર દાખલ કરવામા ંઆવ્યા બાદ મુંબઇ અને મહારાષ્ટ્રના ચાર સ્થળો પર દરોડાની કાર્યવાહી આજે સવારે હાથ ધરવામાં આવી હતી. એક સાથે દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. સીબીઆઇની ટીમ જુદા જુદા સ્થળો પર દરોડા પાડી રહી છે. આ ક્રમમાં મુંબઇમાં વિડિયોકોનના નરિમન પોઇન્ટ સ્થિત ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા વિડિયોકોન ગ્રુપને વર્ષ ૨૦૧૨માં આઇસીઆઇસીઆઇ બેંક પાસેથી મળેલી ૩૨૫૦ કરોડ રૂપિયાની લોનના સંબંધમાં પાડવામાં આવ્યા હતા. આ પહેલા ચંદા કોચરે ચોથી ઓક્ટોબરના દિવસે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ હતુ. તેમની જગ્યાએ ત્યારબાદ સંદીપ બક્સીને આગામી મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમવામાં આવ્યા હતા.
વિડિયોકોન ગ્રુપને લઇને પણ હોબાળો રહ્યો છે. આજે સવારથી જ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા કોર્પોરેટ જગતમાં આની ચર્ચાજાવા મળી હતી. આઈસીઆઈસીઆઈ બેંકના પ્રમુખ ચંદા કોચર અને તેમના પરિવાર ઉપર મુકવામાં આવેલા અનિયમિતતાના આરોપ બાદ અનેક તપાસ સંસ્થાઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.હિતોના સંઘર્ષ અને ફાયદાના બદલે લાભ પહોંચાડવાના મામલામાં સ્વતંત્ર તપાસ કરવામાં આવી રહી છે. ચંદા કોચર અને આઈસીઆઈસીઆઈ બેંકના મામલા સાથે જાડાયેલા મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. આ મામલામાં સેબી ઉપરાંત આરબીઆઈના અધિકારીઓ અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈએ ગયા વર્ષે માર્ચમાં જ કોચરના પતિ દિપક કોચરની સામે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ચંદા કોચરના સંબંધી રાજીવ કોચરની પુછપરછ કરવામાં આવી હતી.
રાજીવ કોચર દિપક કોચરના ભાઈ છે. આઈસીઆઈસીઆઈ બેંકના બોર્ડ દ્વારા વિસલ બ્લોઅર અરવિંદ ગુપ્તાના આરોપ બાદ સ્વતંત્ર તપાસના આદેશ કર્યા હતા. જે મામલામાં તપાસ ચાલી રહી છે તેમાં વિડિયોકોન ગ્રુપને ૨૦૧૨માં આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી ૩૨૫૦ કરોડ રૂપિયાની લોનનો મામલો સામેલ છે.આ લોન કુલ ૪૦૦૦૦ કરોડ રૂપિયાના એવા હિસ્સાના ભાગરુપે હતી જેમાં વિડિયોકોન ગ્રુપે એસબીઆઈના નેતૃત્વમાં ૨૦ બેંકો પાસેથી લેવામાં આવી હતી. વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ઉપર આરોપ છે કે, તેઓએ ૨૦૧૦માં ૬૪ કરોડ રૂપિયા ન્યુ પાવરને આપ્યા હતા. આ કંપનીને ધુતે દિપક કોચર અને અન્ય બે સંબંધીઓએ સાથે મળીને ઉભી કરી હતી. એવા આક્ષેપ છે કે, ચંદા કોચરના પતિ દિપક કોચર સહિત તેમના પરિવારના સભ્યોને લોન મેળવનાર લોકો તરફથી નાણાંકીય લાભ પહોંચાડવામાં આવ્યા હતા. એવા આક્ષેપ પણ છે કે, આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી બેંકથી લોન મળ્યા બાદ છ મહિના પછી જ ધુતે કંપનીની જવાબદારી દિપક કોચરને સોંપી દીધી હતી.