અમદાવાદ : અમ્યુકોના વર્ષ ૨૦૧૯-૨૦ના ડ્રાફ્ટ બજેટ રજૂ કરતાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ એક મહત્વની વાત પરત્વે ધ્યાન દોર્યું હતું કે, શહેરના ઇતિહાસમાં સૌપ્રથમવાર હવે ભીના કચરામાંથી બાયો મિથેનાઇઝેશન કરી બાયોગેસ ઉત્પન્ન કરી તેના વેચાણ અંગેના નાફેડ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાર કરવામાં આવ્યા છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સૂકો અને ભીનો કચરો અલગ તારવવાની અને એકત્રિકરણની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને નાગરિકો પણ તેમાં હકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે ત્યારે અમ્યુકોએ વેસ્ટમાંથી બેસ્ટની દિશામાં નવતર આયોજન હાથ ધર્યું છે.
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, સસ્ટેઇનેબલ અમદાવાદ અંતર્ગત વિકાસ અને પ્રગતિના કાર્યો કરવા માટે ઇન્ટરનેશનલ ફંડીગ માટે અમ્યુકો દ્વારા રૂ.૫૦૦ કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવશે અને તેના મારફતે એકત્ર થયેલા રૂપિયાથી વિકાસના મહત્વના કામો હાથ ધરાશે. જેમાં સૌથી વધુ પ્રાધાન્યતા વેલ્થ આઉટ ઓફ વેસ્ટને આપવામાં આવશે. જે અંતર્ગત એસટીપીમાંથી વેસ્ટ વોટરને ટ્રીટ કરી તેનું વેચાણ કરી આવક ઉભી કરાશે.
આ સાથે જ ભાભા એટોમીક રિસર્ચ સાથે પડતર પ્રશ્નનો નિકાલ આવી ગયો હોવાથી તેની સાથે કરાર કરી બાયો ગોલ્ડ ખાતરનું વેચાણ કરવામાં આવશે અને તેના થકી પણ આવક ઉભી કરાશે. આ સિવાય બાયોગેસ અને કુદરતી ઉર્જા માટે બાયોગેસ બોટલીંગ પ્લાન્ટ ઉભા કરાશે. સૌથી વધુ અગત્યનું કે, અમદાવાદ શહેરમાં હવે સૂકો અને ભીનો કચરો અલગથી તારવાતો અને એકત્રિકરણ કરાતો હોઇ સૌપ્રથમવાર ભીના કચરામાંથી બાયોમિથેનાઇઝેશન કરી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવશે અને દૈનિક ૫૦૦ મેટ્રિક ટન બાયોગેસનું વેચાણ કરવા બાબતે તાજેતરમાં જ અમ્યુકો દ્વારા નાફેડ સાથે મહત્વનો કરાર પણ કરવામાં આવ્યો છે.