નવી દિલ્હી : ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં વરસાદ અને તોફાનથી ઠંડી વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. આજે વાતાવરણમાં એકાએક પલ્ટો આવી ગયો હતો. દિલ્હી અને એનસીઆરની સાથે સાથે ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના વિવિધ ભાગો, હરિયાણા અને પંજાબ અને દિલ્હીમાં ઠંડી વધવાના સંકેત છે. હરિયાણામાં તમામ જગ્યાઓએ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. હિચમાલ અને જમ્મુ-કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર અન્યત્ર પણ જાવા મળી શકે છે.
હવામાન વિભાગના ડિરેકટર વિક્રમસિંહના કહેવા મુજબ તોફાન દહેરાદુન, હરિદ્વાર, નૈનિતાલ, ઉધમસિંહ નગરમાં ત્રાટકી શકે છે. આ ગાળા દરમિયાન નુકસાન થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના ડિરેકટર વિક્રમસિંહે કહ્યું છે કે ઉત્તર કાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, દહેરાદુન, નૈનિતાલ, પિથોરાગઢમાં ભારે હિમવર્ષા અને વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં દિલ્હી અને એનસીઆરની સાથે સાથે કેટલાક વિસ્તારમાં ફરી એકવાર તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળશે. દહેરાદુન, હરિદ્વારા, નૈનિતાલમાં આવતીકાલે તોફાન ત્રાટકી શકે છે. જેના લીધે જનજીવન ઉપર અસર થશે. હવામાન વિભાગનું કહેવું છે કે તીવ્ર હિમવર્ષાની અસર આગામી દિવસોમાં મેદાની ભાગોમાં પણ જાવા મળી શકે છે. ઠંડીનો એક ચમકારો ફરીવાર નોંધાઈ શકે છે.