નવીદિલ્હી : કર્ણાટકમાં રાજકીય ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આજે સરકારને અસ્થિર કરવાના પ્રયાસ કરવાનો ભાજપ ઉપર આક્ષેપ કર્યો હતો પરંતુ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્તમાન કટોકટી ઉકેલાઈ જશે. બેંગ્લોરમાં બજેટ પૂર્વેની બેઠકોમાં ભાગ લઇ રહેલા કુમારસ્વામીએ એવા અહેવાલને રદિયો આપ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મિટિંગ થવા જઈ રહી છે. રાજ્ય કેબિનેટમાંથી કોંગ્રેસના ચાર પ્રધાનોના રાજીનામાના ભણકારા વાગી રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચેના સંબંધો ખુબ મજબૂત છે. બંને પક્ષો આગામી લોકસભાની ચૂંટણીમાં સાથે મળીને મેદાનમાં આવશે. મંગળવારના દિવસે બે અપક્ષ સભ્યોએ ગઠબંધન સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો.
કુમારસ્વામીએ કહ્યું હતુ કે, ભાજપ દ્વારા સરકારને ગબડાવી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે. બીજી બાજુ કુમારસ્વામીએ એમ પણ ક્યું હતું કે, મોદીને મળવાની કોઇપણ યોજના નથી. કોઇપણ કોંગ્રેસી પ્રધાનો રાજીનામુ આપી રહ્યા નથી. કોંગ્રેસ અથવા જેડીએસમાંથી કોઇ સભ્યો રાજીનામુ આપશે નહીં. આ બાબત ભાજપમાં બની રહી છે. બિનજરૂરી અફવાઓ ફેલાઈ રહી છે. કોંગ્રેસ અને જેડીએસ બંધન ખુબ મજબૂત ગઠબંધન છે.
કર્ણાટક સરકારને અસ્થિર કરવાના પ્રયાસ કવરાનો ભાજપ ઉપર આક્ષેપ કરતા જેડીએસના નેતાએ કહ્યું હતું કે, ગુડગાંવમાં એક રિસોર્ટમાં પોતાના ૧૦૪ ધારાસભ્યોને ભાજપે શા માટે રોકી રાખ્યા છે. ૧૬૫ તાલુકાઓમાં દુષ્કાળની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે ભાજપે કર્ણાટકના ધારાસભ્યોને ગુડગાંવમાં રોકી રાખ્યા છે.