અમદાવાદ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)ના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં હવે બે વિકલ્પ મળશે. સીબીએસઈ તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને ગણિત વિષયના બે સ્તરોમાંથી એક પસંદ કરવાનો મોકો મળશે. નોટિફિકેશન મુજબ પહેલા દસમાનું ગણિતનું લેવલ વર્તમાન લેવલ જ હશે પરંતુ બીજુ લેવલ આનાથી સરળ રાખવામાં આવશે. સીબીએસઇના આ નિર્ણયને લઇ હવે ગણિતને અઘરૂં માનતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે રાહતની વાત થઇ છે.
સીબીએસઇના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૧૯-૨૦ના સત્રથી જ આ સુવિધાનો લાભ મળશે. ગણિતના વર્તમાન લેવલને મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ લેવલનું નામ આપવામાં આવ્યુ છે, જ્યારે સરળ લેવલને મેથેમેટિક્સ બેઝિકના નામથી ઓળખવામાં આવશે. સીબીએસઈના ધોરણ-૧૦ના વિદ્યાર્થી આ બંને લેવલમાંથી કોઇપણ એકને પસંદ કરી શકે છે. આ પસંદગી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં કરવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓમાં ગણિત વિષયની પરીક્ષાનો તણાવ ઓછો કરવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગણિતનું બેઝિક લેવલનું પેપર સરળ હશે.
તે ખાસ કરીને એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યુ છે જે આગળ ગણિતનો અભ્યાસ કરવા નથી ઈચ્છતા અને વિષયને થોડો સરળ ઈચ્છે છે. જો વિદ્યાર્થીને આગળ કોમર્સ કે વિજ્ઞાન વિષયમાં ગણિત સાથે અભ્યાસ કરવો છે તો તેણે મેથ્સના સ્ટાડન્ડર્ડ લેવલની એક્ઝામ પાસ કરવી પડશે. વિદ્યાર્થીને દસમા પછી ગણિતનો અભ્યાસ જેમ કે કોમર્સ, સાયન્સ વગેરે વિષયો સાથે નથી કરવો અને આટ્ર્સ તરફ જવુ છે તો તે બેઝિક લેવલ લઈ શકે છે. ગણિતના બંને સિલેબસ માટે ક્લાસરૂમ અને અભ્યાસની રીત એક જ રહેશે. સીબીએસઇના આ નવતર અભિગને લઇ ગણિતને અઘરૂં માનતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રાહતની લાગણી ફેલાઇ છે.