રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પ્રદુષણના કારણે લોકો પરેશાન થયેલા છે. જુદી જુદી સંસ્થાઓના તારણ સપાટી પર આવ્યા બાદ લોકોની પરેશાની સતત વધી રહી છે. દિલ્હીમાં પ્રદુષણના સ્તરને ઘટાડી દેવા માટે સરકારની સાથે સાથે તમામની સામે મોટો પડકાર આવી ગયો છે. વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ લઇ શકાયો નથી. દિલ્હીમાં પ્રદુષણ હવે વિશ્વવ્યાપી ચિતાના મુખ્ય વિષય તરીકે છે. ન્યુયોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટીના અર્થ સંસ્થાના પ્રમુખ જેફ્રી સૈક્સે હાલમાં કહ્યુ છે કે ખુબ ચિંતાજનક સ્તર પર પહોંચી ગયેલા પ્રદુષણના કારણે દિલ્હી રહેવાલાયક શહેર હવે નથી.
તેમની આ જાહેરાતના કારણે દિલ્હીમાં રહેતા અને નોકરી કરતા લોકોની ચિંતામાં વધારો થયો છે. દિલ્હીમાં પ્રદુષણના સ્તરને ઘટાડી દેવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં પ્રદુષણના સ્તરમાં ઘટાડો થઇ રહ્યો નથી. દિલ્હીમાં આયોજિત વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં તેઓએ પ્રદુષિત હવા અને ગ્રીન હાઉસ ગૈસના ઉત્સર્જન માટે સરકારની નીતિઓને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યુ હતુ કે પ્રદુષણ પર કઠોર પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે પ્રદુષણને લઇને સખત પગલા ન લેવા માટે ગરીબોને બહાના તરીકે રજૂ કરી શકાય નહી. સૈક્સે ઇલેક્ટ્રોનિક વાહનોની જરૂરીયાતને મહત્વપૂર્ણ ગણાવી છે.
ઇલેક્ટ્રિક વાહનોના કારણે પ્રદુષણમાં ઘટાડો થઇ શકે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં દિલ્હીની હવામાં પીએમ ૨.૫નુ પ્રમાણ ૩૨૦.૯ માઇક્રોગ્રામ નોંધાતા ચિંતા વધી ગઇ હતી. આવી જ રીતે પીએમ ૧૦નુ પ્રમાણ ૪૯૬ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર નોંધાઇ ગયુ હતુ. જે ઇમરજન્સી બરોબર છે. કેટલાક તબીબો તો કહી રહ્યા છે કે જા આ જ સ્થિતી રહેશે તો જન્મ લેનાર બાળકોના દિમાગને પુર્ણ વિકસિત કરી શકાશે નહી. જો કે પ્રદુષણની સમસ્યાને ઉકેલી લેવા માટે સરકારના સ્તર પર પણ જોરદાર દુવિધા છે. એકબાજુ તે સ્વચ્છ પર્યાવરણને લઇને પોતાની કટિબદ્ધતા દર્શાવી રહી છે. બીજી બાજુ ઓટોમોબાઇલ સેક્ટર અને અન્ય પ્રદુષણકારી સંગઠન અને ઉદ્યોગોની સામે કઠોર વલણ અપનાવી રહી નથી. તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતને લઇને વધારે પગલા લેવામાં આવી રહ્યા નથી. ગયા વર્ષે સરકારે જાહેરાત કરી હતી કે ૨૦૩૦ સુધીમાં દેશમાં બનનાર તમામ કાર પૂર્ણ રીતે બેટરીથી ચાલશે.
નાગપુરમાં હાલમાં શરૂ થયેલા એક ચાર્જિગ સેન્ટરને આ દિશામાં ઐતિહાસિક ગણવામાં આવે છે. જા કે આના લક્ષ્યને વધારીને ૨૦૩૨ કરવામાં આવ્યા બાદ સરકારના વલણમાં પણ ફેરફારની સ્થિતી જોવા મળી રહી છે. હાલમાં પર્યાવરણ પ્રધાન નિતિન ગડકરી અને નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે ગાડીને બેટરી પર લાવવા માટેની હાલમાં કોઇ જરૂર નથી. રેલવેના વીજળીકરણને લઇને પણ સરકાર અપેક્ષા કરતા ધીમી ગતિથી આગળ વધી રહી છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલ વીજળીકરણની તરફેણમાં છે પરંતુ વડાપ્રધાનની કચેરીના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય વિવેક દેવબોય ફેરવિચારણા કરવાની વાત કરી રહ્યા છે.