અમદાવાદ : શહેરના વિવિધ વિસ્તારમાં બીઆરટીએસ બસ દ્વારા વાહનચાલકોને ટક્કર મારવાના અને તેના કારણ નિર્દોષ નાગરિકોના મોત નીપજવાના તાજેતરમાં સામે આવેલા કિસ્સાઓ બાદ હવે બીઆરટીએસ બસની સેવા અને તેના ડ્રાઇવરોની વાહન ચલાવવાની પધ્ધતિ અને ક્ષમતાને લઇ ગંભીર સવાલો ઉઠયા છે. તો બીજીબાજુ, શહેરમાં બીઆરટીએસના કોરિડોરના ૪૦૦ જેટલા ચાર રસ્તા અને સર્કલ ઘણા જાખમી અને અકસ્માત માટે સૌથી રિસ્કી છે, જેથી આ સ્થાનો અથવા તો પોઇન્ટ પર અમ્યુકો અકસ્માત નિવારણ પગલા અથવા તો બમ્પ, નિશાનો સહિતના પગલાં લે તેવી નગરજનોમાં માંગ ઉઠવા પામી છે. તો અમ્યુકો સત્તાવાળાઓએ પણ તાજેતરમાં ઉપરાછાપરી બીઆરટીએસ બસના બે જીવલેણ અકસ્માત સર્જનાર ખાનગી ઓપરેટર ચાર્ટર્ડ સ્પીડને પાંચ-પાંચ લાખ રૂપિયાનો આકરો દંડ ફટકારી હવે સ્પીડ લિમિટ બાંધવાની દિશામાં તેમ જ ડ્રાઇવરોને પધ્ધતિસરની ટ્રેનીંગ અને માર્ગદર્શન માટેની કવાયત હાથ ધરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરટીઓથી વાસણાના ચંદ્રનગર વચ્ચે વર્ષ ૨૦૦૯માં શહેરની સર્વપ્રથમ બીઆરટીએસ બસ સર્વિસ શરૂ કરાઇ હતી. જા કે, છેલ્લા ઘણા સમયથી એએમટીએસની લાલ બસની જેમ હવે બીઆરટીએસની વાદળી બસ પણ નાગરિકોના જાનમાલ માટે ઘાતક બની છે. અમ્યુકો દ્વારા માનીતા ઓપરેટરને છાવરવાની નીતિ અપનાવાઈ હોઈ બીઆરટીએસ કોરિડોરના ૪૦૦ ચાર રસ્તા કે સર્કલ વાહનચાલકો માટે જોખમી બન્યાં છે. દરમિયાન ઉપરાઉપરી બે જીવલેણ અકસ્માત સર્જનાર બસના ઓપરેટર ચાર્ટર્ડ સ્પીડને રૂ. ૧૦ લાખનો દંડ ફટકારાયો છે. તંત્ર દ્વારા બીઆરટીએસ સર્વિસમાં રોજની કુલ ૨૫૫ બસ દોડાવાઈ રહી છે, જે પૈકી ૧૯૦ બસ ચાર્ટર્ડ સ્પીડની છે તો અન્ય ૬૫ બસ શ્રી મારુતિ ટ્રાવેલ્સની છે. આ બંને ઓપરેટરને કિલોમીટરદીઠ રૂ. ૫૨.૫૦થી રૂ. ૫૮ સુધીનો ભાવ ચૂકવાઈ રહ્યો છે. પ્રતિ દિવસ ૨૦૦ કિ.મી.ના અંતરની મર્યાદા નક્કી કરાઈ હોવા છતાં ખાનગી ઓપરેટર દ્વારા દિવસ દરમિયાન મહત્તમ કિ.મી. સુધી બસને દોડાવવા માટે ડ્રાઈવર પર દબાણ કરાવાતું હોઈ બીઆરટીએસ કોરિડોરમાં તો બસ ઓવરસ્પીડમાં દોડે છે, પરંતુ ચાર રસ્તા કે સર્કલ પાસે પણ બસની ઓવર સ્પીડ ધીમી થતી ન હોઈ વાહનચાલકો જીવલેણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
છેલ્લાં ત્રણ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ સુધીમાં બીઆરટીએસ બસના તોતિંગ પૈડાં નીચે ૨૧ નાગરિક કચડાઈને મોતને ભેટ્યા હોવા છતાં તંત્ર દ્વારા માનીતા ઓપરેટરને બ્લેકલિસ્ટ કરવાની કડક કાર્યવાહી હજુ સુધી કરાઈ નથી. માત્ર જે તે ઘાતક અકસ્માત વખતે ઓપરેટરને રૂ. ૫૦,૦૦૦થી રૂ. એક લાખનો દંડ ફટકારીને ભીનુ સંકેલી લેવામાં આવે છે. જોકે છેલ્લા વર્ષ ૨૦૧૮માં ચારનાં મોત અને ઉપરાછાપરી બે અકસ્માતમાં બેનાં મોત થયાં છે. રવિવારની રાત્રે નારણપુરા પાસે બીઆરટીએસની બસે બે કારને ટક્કર મારીને એક્ટિવાચાલકનું મોત નીપજાવ્યા બાદ ગઈકાલે સવારે બોપલમાં બીઆરટીએસ બસ નીચે બે બાઈકચાલક કચડાઇને એકનું મૃત્યુ થતાં બેફામ ગતિએ દોડતી બીઆરટીએસ બસ સામે નાગરિકો રોષે ભરાયા છે. નાગરિકોના મતે, બીઆરટીએસ સત્તાવાળાઓ દ્વારા ઉપરાછાપરી જીવલેણ અકસ્માતો સર્જવા બદલ જવાબદાર પ્રાઈવેટ ઓપરેટરને બ્લેકલીસ્ટ કરવા જાઇએ અને તેમની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવી જાઇએ. જા કે, વિવાદ વકરતાં અમ્યુકો સત્તાધીશોએ નારણપુરા અને બોપલના અકસ્માત સર્જનાર પ્રાઇવેટ ઓપરેટર ચાર્ટર્ડ સ્પીડને રૂ.પાંચ-પાંચ લાખનો આકરો દંડ ફટકાર્યો છે.
પરંતુ નાગરિકો આ કાર્યવાહીથી ખુશ નથી. જોકે શહેરીજનોમાં સ્વયંભૂ ફાટી નીકળેલા રોષથી શાસકો હરકતમાં આવ્યા છે. આ અંગે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતાં તેઓ કહે છે, રવિવારના નારણપુરાના અકસ્માતમાં પ્રાઈવેટ ઓપરેટર ચાર્ટર્ડ સ્પીડને રૂ. પાંચ લાખનો દંડ ફટકારાયો છે અને ગઈકાલના બોપલના અકસ્માતમાં પણ એનો એ જ પ્રાઈવેટ ઓપરેટર ચાર્ટર્ડ સ્પીડ સંડોવાયેલો હોઈ તેને ફરીથી રૂ. પાંચ લાખનો દંડ કરાયો છે. બીઆરટીએસના ઇતિહાસમાં પ્રથમ વાર આટલી મોટી રકમની પેનલ્ટી ફટકારાઇ છે. અમ્યુકો દ્વારા તંત્રને ડ્રાઈવરો માટે ટ્રેનિંગ પ્રોગ્રામ ઘડી કાઢવાની તાકીદ કરાઈ છે. આ ઉપરાંત બસની સ્પીડ લિમિટ બાંધીને તે મુજબની ગતિથી બસ હંકારવાની પ્રાઈવેટ ઓપરેટરને કડક સૂચના અપાઈ છે. બસની સ્પીડ લિમિટને ચકાસવા માટે તંત્ર આઈટીએમએસ સિસ્ટમનો ઉપયોગ કરશે. ટૂંક સમયમાં ડ્રાઈવરોના ટ્રેનિંગ કેમ્પનું પણ આયોજન કરાશે.