પટણા : બિહારમાં વિપક્ષી દળોના મહાગઠબંધનના ભવિષ્ય ઉપર પ્રશ્નો ઉઠાવવા પર રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે આજે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની જારદાર ઝાટકણી કાઢી હતી. આરજેડી વડાએ કહ્યું હતું કે, નીતિશકુમાર વિશ્વાસઘાતી બની ગયા છે. આ પ્રકારના લોકો શરમ અનુભવ કરતા નથી. બિહારના ચર્ચાસ્પદ ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા આરજેડી અધ્યક્ષ લાલૂ યાદવે નીતિશકુમાર ઉપર પ્રહાર કરીને કહ્યું હતું કે, તેઓ આજે જે ખુરશી ઉપર બેઠા છે તે મહાગઠબંધનના કારણે મળી છે. લાલૂના ટ્વિટર હેન્ડલથી આજે ટ્વિટ કરીને કહેવામાં આવ્યું હતું કે, જે વ્યક્તિ મહાગઠબંધનના વોટથી ખુરશી ઉપર બેસી ગયા છે તે વ્યક્તિ દિનદહાડે જનાદેશની ડકૈતી કરી રહ્યા છે.
૧૧ કરોડ બિહારી લોકોના જનાદેશનું અપમાન કરી રહ્યા છે. તેઓ કઈરીતે મહાગઠબંધનના ભાવિની વાત કરી રહ્યા છે. આ પ્રકારના દગાબાજાને રાજ્યના લોકો જારદાર બોધપાઠ ભણાવવા માટે તૈયાર છે. નીતિશકુમારે સોમવારના દિવસે બિહારમાં મહાગઠબંધનના ભવિષ્ય ઉપર પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત નક્કી છે તે પ્રકારના બિનજરૂરી દાવા કરવામાં આવી રહ્યા છે.
નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે તેવી વાત નીતિશકુમાર કરી રહ્યા છે જે ખુબ જ શરમજનક છે. લાલૂ હાલના દિવસોમાં ઘાસચારા કૌભાંડના ચાર મામલામાં અપરાધી જાહેર થયા બાદ જેલની સજા ભોગવી રહ્યા છે. અસ્વસ્થ હોવાના પરિણામ સ્વરુપે તેઓ રાંચીની આયુર્વેદ હોસ્પિટલમાં હાલ સારવાર મેળવી રહ્યા છે. લાલૂની તબિયતને લઇને પણ સતત પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે.