ગત સત્રમાં સુપ્રીમ કોર્ટના આદેશ ઉપરાંત પણ ત્રણ તલાક, (ત્રિપલ તલાક) સંસદમાં અમે પસાર ન કરાવી શક્યા. હું આશા રાખું છું અને હું દેશના દરેક રાજનૈતિક પક્ષોને વિનમ્ર આગ્રહ કરૂ છું કે આ સત્રમાં, ત્રણ તલાક, મહિલાઓ માટે, ખાસ કરીને મુસ્લિમ મહિલાઓનાં હકની રક્ષા કરવા માટે આ નિર્ણય આપણે સૌ પસાર કરીએ અને ૨૦૧૮નાં નવા વર્ષની એક શ્રેષ્ઠ ભેટ, આપણી મુસ્લિમ મહિલાઓને આપણે આપીએ.
બજેટ સત્ર અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આખું વિશ્વ જ્યારે ભારતની અર્થવ્યવસ્થા પ્રત્યે ઘણું આશાવાન છે. ભારતનાં માર્ગ પર, ભારતની પ્રગતિ પર વિશ્વની દરેક ક્રેડિટ રેટીંગ એજન્સી હોય, વર્લ્ડ બેંક હોય, આઈએમએફ હોય, ઘણા સકારાત્મક પોતાના અભિપ્રાયો આપી રહી છે. આ બજેટ દેશની ઝડપી ગતિથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થાને એક નવી ઉર્જા આપનારૂ, દેશના સામાન્યમાં સામાન્ય માનવની આશા-અપેક્ષાઓને પૂર્ણ કરનારૂ બજેટ આવશે અને બજેટ પછી એક મહિના સુધી વિવિધ સમિતિઓમાં બજેટની ખૂબ ચર્ચા થાય છે. અનુભવ એ રહ્યો છે કે આ સમિતિઓમાં પક્ષથી ઉપર દેશ હોય છે. દરેક પક્ષના લોકો સત્તાપક્ષના લોકો પણ ખામીઓ દર્શાવે છે અને વિપક્ષના સભ્યો તેની ખૂબીઓને દર્શાવે છે. એક પ્રકારે ઘણું તંદુરસ્ત વાતાવરણ હોય છે.
ગઈ કાલે જ્યારે સર્વપક્ષીય બેઠક થઈ તો મેં આગ્રહ કર્યો કે આપણે આ મહિને જે ચર્ચા સત્ર હોય છે, સમિતિઓની અંદર તેનો ભરપૂર ઉપયોગ કરીએ અને બજેટનો સર્વાધિક લાભ દેશના સામાન્ય માનવ સુધી કેવી રીતે પહોંચે? દલિત, પીડિત, શોષિત, વંચિતને કેવી રીતે મળે? ગામડાંના ગરીબોને કેવી રીતે મળે? ખેડૂત, મજદૂરોને કેવી રીતે મળે? તેના પર વ્યાપક ચિંતન કરીએ, સકારાત્મક અભિપ્રાય આપીએ અને રોડમેપ બનાવીને આપણે આગળ વધીએ.
ખૂબ ખૂબ ધન્યવાદ.