નવી દિલ્હી : સીબીઆઈના ડિરેક્ટર તરીકે આલોક વર્માને ફરી બહાલ કરી દેવામાં આવ્યા છે પરંતુ હાલમાં તેમના મામલે ગુંચવણ અકબંધ રહેશે. સુપ્રીમ કોર્ટે તેમના હાથ બાંધી રાખ્યા છે. આ સમગ્ર મામલામાં કોર્ટનો ચુકાદો આવ્યા બાદ આ અંગે પ્રતિક્રિયા આપતા વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, અમે કોઇ વ્યક્તિ વિશેષની વિરુદ્ધમાં નથી. સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સ્વાગત કરીએ છીએ. સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકાર માટે બોધપાઠ સમાન છે. કેટલાક લોકો ઉપર દબાણ લાવવા માટે તપાસ સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવશે. આવતીકાલે કોઇ બીજા પણ આવી જ રીતે આગળ વધશે. આવી સ્થિતિમાં લોકશાહી ખોરવાઈ જશે.
સીબીઆઈ વિવાદમાં એનજીઓ તરફથી ઉપસ્થિત રહેલા વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આજે સરકાર અને સીવીસીના આલોક વર્માને હોદ્દા પરથી દૂર કરવાના નિર્ણયને રદ કરી દીધો છે. કોર્ટે તેમની શક્તિઓ આંચકી લેવા અને રજા ઉપર મોકલી દેવાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. ભૂષણે કહ્યું હતું કે, કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, સરકાર એક ઉચ્ચ સ્તરીય કમિટિ બનાવશે જેમાં વિપક્ષના નેતા પણ રહેશે. સાત દિવસની અંદર આ કમિટિ નિર્ણય લેશે.
જ્યાં સુધી કમિટિ આ મામલાને ઉકેલી લેતી નથી ત્યાં સુધી વર્માને કોઇ મહત્વપૂર્ણ નિર્ણય ન કરવા માટે કહેવામાં આવ્યું છે. હજુ સુધી વર્મા પાસે તમામ સત્તાઓ રહેશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઇ વિરુદ્ધ સીબીઆઇ મામલે ચાલી રહેલા કેસ મામલે આજે કેન્દ્ર સરકારને મોટો ફટકો પડ્યો હતો. કારણ કે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માને ફરી સીબીઆઇ વડા બનાવ્યા હતા. જા કે આલોક વર્મા હાલમાં કોઇ નીતિગત નિર્ણય કરી શકશે નહીં. આલોક વર્માની સામે ઉચ્ચસ્તરીય સમિતી તપાસ કરી શકે છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ઉપયોગી ગણવામાં આવે છે.