અમદાવાદ: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યા હોવા છતાં નવા કેસો નોંધાઈ રહ્યા છે. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના જાન્યુઆરી મહિનાના પાંચ દિવસના ગાળામાં ૦૩ કેસ બન્યા છે. પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો પાંચ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૮૨ કેસ નોંધાયા છે જ્યારે ટાઇફોઇડના ૪૩ કેસ સપાટી ઉપર આવ્યા છે.
કમળાના ૩૯ કેસ પાંચ દિવસના ગાળામાં જ નોંધાઈ ચુક્યા છે. જા કે, મચ્છરજન્ય રોગચાળા પર અંકુશ મુકવામાં તંત્રને હવે સફળતા હાથ લાગી રહી છે. આના માટે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓને મુખ્યરીતે જવાબદાર ગણવામાં આવે છે. વર્ષ ૨૦૧૮માં સાદા મેલેરિયાના ડિસેમ્બરમાં ૪૮ અને જાન્યુઆરી ૨૦૧૮માં ૫૦ કેસ નોંધાયા હતા. આવી જ રીતે ડિસેમ્બર ૨૦૧૮માં ઝાડા ઉલ્ટીના ૫૧૭ અને જાન્યુઆરી ૨૦૧૮માં ઝાડા ઉલ્ટીના ૪૮૨ કેસ સપાટી ઉપર આવ્યા હતા.
પાંચમી જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં ૨૧૧૩૫ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ પાંચમી જાન્યુઆરી ૨૦૧૯ સુધી ૮૮ સિરમ સેમ્પલ લઇને તપાસ કરવામાં આવી રહી છે. ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા પણ જુદા જુદા વિસ્તારોમાંથી અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લઇને તપાસ કરવામાં આવી રહી છે. પાંચમી જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી ચુક્યા છે જેની અસર દેખાઈ રહી છે.