અમદાવાદ : ગુજરાત બાર કાઉન્સીલ પણ હવે ડિજિટલ અને હાઇટેક બની ગઇ છે. જેના ભાગરૂપે આગામી તા.૧-૧-૨૦૧૯થી ગુજરાત બાર કાઉન્સીલનું લગભગ તમામ કામકાજ ઓનલાઇન જઇ જશે. બાર કાઉન્સીલનું કામકાજ ઓનલાઇન થવાથી અમદાવાદ શહેર સહિત રાજયભરના વકીલઆલમ માટે બહુ મોટી રાહતની વાત છે. કારણ કે, બહારગામના કે આંતરિયાળ વિસ્તારના વકીલ મિત્રોને હવે અમદાવાદ સુધી ગુજરાત બાર કાઉન્સીલની કચેરી સુધી લાંબા નહી થવુ પડે કે ધક્કા નહી ખાવા પડે. વકીલો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે, વકીલોના મૃત્યુના કિસ્સામાં ગુજરાત બાર કાઉન્સીલ તરફથી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ હેઠળ મૃત્યુ સહાય ચૂકવવામાં આવે છે તે માટેની જરૂરી રિન્યુઅલ ફી પણ વકીલો હવે બારકાઉન્સીલઓફગુજરાત.ઓઆરજી પર ઓનલાઇન ભરી શકશે અને બાર કાઉન્સીલ રિન્યુઅલ ફી ઓનલાઇન સ્વીકારશે એમ અત્રે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન કે.દવે, પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા અને એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કરણસિંહ બી.વાઘેલાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં વકીલોના મૃત્યુના કિસ્સામાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તેમના પરિવારજનો કે વારસદારોને મૃત્યુસહાયની રકમ ચૂકવાતી હોય છે અને આ માટે વેલ્ફેર ફંડ સ્કીમ હેઠળ હાલ મૃત્યુસહાય પેટે વકીલોના પરિજનો કે વારસદારોને રૂ. ત્રણ લાખની સહાય ચૂકવાઇ રહી છે. જે તા.૧-૪-૨૦૧૯થી મૃત્યુસહાયની રકમ રૂ.ચાર લાખની થવા જઇ રહી છે ત્યારે આ વેલ્ફેર ફંડ સ્કીમ હેઠળ વકીલોને સમયાંતરે પોતાનું સભ્યપદ રિન્યુ પણ કરાવવાનું હોય છે, જેની રિન્યુઅલ ફી અત્યારસુધી રૂ.૨૫૦૦ હતી પરંતુ સમગ્ર વકીલઆલમમાં ખાસ જુનીયર વકીલો સહિતના ધારાશાસ્ત્રીઓની માંગણીને ધ્યાનમાં લઇ ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા એક મહત્વના નિર્ણયમાં વેલ્ફેર ફંડ સ્કીમની રિન્યુઅલ ફીમાં તાજેતરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો. જે મુજબ, વકીલાતના પાંચ વર્ષ પૂરા નહી કર્યા હોય તેવા જુનીયર વકીલોએ હવે માત્ર રૂ.એક હજાર જેટલી જ રિન્યુઅલ ફી ચૂકવવી પડશે
. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા અને એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કરણસિંહ બી.વાઘેલાએ વધુમાં ઉમેર્યું કે, રિન્યુઅલ ફીના ઘટાડા અંગે તાજેતરમાં લેવાયેલા નિર્ણય મુજબ, જુનીયર વકીલો માટે રૂ.૧૦૦૦ કરાયા છે, તે ઉપરાંત વકીલાતમાં એકથી પંદર વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા વકીલો માટે વાર્ષિક રૂ.૧૫૦૦ રિન્યુઅલ ફી, પંદરથી વીસ વર્ષથી પ્રેકટીસ કરતાં વકીલો માટે રૂ.૨૦૦૦ અને અને ૨૦ વર્ષથી ઉપરની પ્રેકટીસવાળા વકીલો માટે રૂ.૨૫૦૦ની રિન્યુઅલ ફી નક્કી કરવામાં આવી હતી. સાથે સાથે ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડની સ્કીમમાં વેલ્ફેર સ્ટેમ્પ જે તાલુકા-જિલ્લાની અદાલતોમાં રૂ.૨૦ની વેલ્ફેર સ્ટેમ્પ લગાવવાની હતી, તેના બદલે રૂ.૧૦ની વેલ્ફેર સ્ટેમ્પ લગાવવા, હાઇકોર્ટ અને ટ્રિબ્યુનલમાં રૂ.૪૦ની જગ્યાએ રૂ.૨૦ની વેલ્ફેર સ્ટેમ્પ લગાડવાનો નિર્ણય લેવાયો હતો.
રિન્યુઅલ ફી મુદ્દે જુનીયર વકીલો સહિત રાજયભરના વકીલઆલમમાંથી રજૂઆતો મળી હતી, જેને ધ્યાનમાં લઇ ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા રિન્યુઅલ ફીમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. દરમ્યાન હવે ગુજરાત બાર કાઉન્સીલનું કામકાજ પણ ઓનલાઇન શરૂ થવાની જાહેરાતથી રાજયભરના વકીલઆલમમાં ખુશી અને રાહતની લાગણી છવાઇ ગઇ છે, રાજયના વિવિધ વકીલમંડળોએ બાર કાઉન્સીલના નિર્ણયને આવકાર્યો છે.