અમદાવાદ : દેશભરમાં સૌપ્રથમવાર વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝીંગ ફેડરેશન દ્વારા ગુજરાત સરકાર ઇન્ડેક્ષ્ટ બી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના સહયોગથી તા.૧૭મી જાન્યુઆરીથી તા.૨૮મી જાન્યુઆરી સુધી અમદાવાદ ખાતે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવ્યું છે.
ગ્રાહકોને કરોડો રૂપિયાના બમ્પર ઇનામો જીતવાની તક
આ ઐતિહાસિક અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલમાં ગ્રાહકોને દસ કરોડ રૂપિયા સુધીના બમ્પર ઇનામો જીતવાની તક છે. એટલું જ નહી, ગ્રાહકોને ખાસ ડિસ્કાઉન્ટ ઉપરાંત આ ઇનામો જીતવાની તક રહેશે. ફેસ્ટીવલ દરમ્યાન રોજ સવારે ૧૦ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી દર મિનિટે એક ઇનામ અને રાત્રીના દસથી બીજા દિવસે સવારના દસ સુધી દર કલાકે ૨૦ ઇનામો આપવામાં આવશે. દર કલાકે ૬૦ ડ્રો થશે. આ ઇનામા માં રોજિંદી ઘરઉપયોગી વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક સામાન આપવામાં આવશે. તો, આ સિવાય દરરોજ ૩૬ બમ્પર ઇનામ આપવામાં આવશે, જેની કિંમત રૂ.૧૫ હજારથી ૨૫ હજાર સુધીની રહેશે. જયારે તા.૨૯મી જાન્યુઆરીએ સરદાર પટેલ સ્ટેડિયમમાં મેગા બમ્પર ડ્રો યોજાશે. જેમાં ગ્રાહકને કરોડોના ઇનામો જીતવાની તક મળશે. તો, રજિસ્ટર્ડ વેપારીઓને પણ રૂ.એક કરોડ સુધીનું ઇનામ જીતવાની તક મળશે.
અમદાવાદમાં વર્લ્ડ રેકોર્ડ થાય તેવી શકયતા
વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝીંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ જયેન્દ્ર તન્ના, સેક્રેટરી અનિલ સંઘવી અને મીડિયા કન્વીનર આશિષ ઝવેરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલને લઇ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ આવે તેવી શકયતાઓ છે. ખાસ કરીને એક તો, દેશમાં આટલો મોટા વિસ્તારને આવરી લેતાં એટલે કે, અમદાવાદમાં બોપલથી લઇ નિકોલ સુધી ૨૦ કિલોમીટરથી વધુના વિસ્તારને આવરી લેતો અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલ દેશમાં સૌપ્રથમવાર થઇ રહ્યો છે, તેથી તે બાબતને લઇ રેકોર્ડ નોંધાવાની શકયતા છે. ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે તા.૧૭મી જાન્યુઆરીએ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કરવા આવે ત્યારે પાંચ કિલોમીટરથી વધુ લાંબો ગુજરાતની અસ્મિતા રજૂ કરતો ગરબો રજૂ કરવાનું પ્લાનીંગ ચાલી રહ્યું છે. જા તેમ થશે તો, તેને લઇને પણ વર્લ્ડ રેકોર્ડ બનશે. આ સિવાય પણ અન્ય રેકોર્ડ બનવાની સંભાવના છે.
ફેસ્ટીવલ દરમ્યાન ડાયરો, ગુજરાતી ફિલ્મો સહિત અનેક આકર્ષણો
અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલ દરમ્યાન લોકડાયરો, ગુજરાતી ફિલ્મો, ડ્રામા-નાટક, કોમેડી શો, મીમીક્રી સહિતના અનેકવિધ આકર્ષણો પણ રહેશે. શહેરના ૨૭ મુખ્ય માર્ગો પર તેના માટે ખાસ સ્ટેજ ઉભા કરવામાં આવશે. જયાં રોજ સાંજે ૬થી રાત્રે દસ વાગ્યા સુધી લોકડાયરો, ગઝલ, કોમેડી શો સહિતના કાર્યક્રમો ચાલશે. તો, ફેસ્ટીવલના ૧૨ દિવસ દરમ્યાન ૮૪ ગુજરાતી ફિલ્મો અને ૧૫ ડ્રામા-નાટકો પણ રજૂ કરવામાં આવશે. એટલું જ નહી, આગામી દિવસોમાં શહેરીજનો,ગ્રાહકો અને વેપારીઓને જાગૃત કરવા માટે સેટેલાઈટ, બાપુનગર, રિલીફ રોડ, ગાંધી રોડ, મણિનગર ખાતે વિશાળ અને આકર્ષક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
રિવરફ્રન્ટ ખાતે ૮૦૦ સ્ટોલ્સ ઉભા કરાશે
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૮૦૦ જેટલા સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવશે, જયાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૭મી જાન્યુઆરીએ અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલનું વિધિવત્ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત રિવરફ્રન્ટ પર ફલી માર્કેટ, વુમન એન્ટ. માર્કેટ, ફૂડ માર્કેટ, લાઈવ ઓર્કેસ્ટ્રા, સ્ટેન્ડિંગ કોમેડી, લાઈવ બેન્ડ, નોલેજ સિરીઝ(જાણીતા વકતાઓ દ્વારા જુદા જુદા વિષયો પર સંબોધન), ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ, ગુજરાતી નાટકો, થિયેટર એક્ટિવિટીઝનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. આ સિવાય શહેરના ૧૪થી વધુ ગાર્ડન અને અન્ય સ્થળોએ દરરોજ સવારે યોગા,મેડિટેશન,લાફિંગ થેરાપી,એરોબિક,ઝુમ્બા જેવા કાર્યક્રમો નુ આયોજન પણ કરાયું છે.