સિડની : સિડની ટેસ્ટમાં ભારતની હવે પક્કડ મજબુત બની ગઇ છે. આજે ત્રીજા દિવસે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે રમતને વહેલી તકે બંધ કરી દેવાની ફરજ પડી હતી. આજે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ રમતને વહેલી તકે બંધ કરવામાં આવી ત્યારે છ વિકેટે ૨૩૬ રન કરી લીધા હતા. તેની ચાર વિકેટ હવે હાથમાં છે. તે હજુ ભારતથી ૩૮૬ રન પાછળ છે. આજે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો સંઘર્ષ કરતા નજરે પડ્યા હતા. હેરીસે ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ૭૯ રન કર્યા હતા. સોન માર્શ આઠ રન કરીને આઉટ થયો હતો.
રમત બંધ રહી ત્યારે હેન્ડ્સકોમ્બ ૨૮ અને કમીન્સ ૨૫ રન સાથે રમતમાં હતા. આ બંને પણ ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટેના તમામ પ્રયાસ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ તેની છઠ્ઠી વિકેટ ૧૯૮ રને ગુમાવી દીધા બાદથી આ બંને વચ્ચે ૨૩૬ રન સુધી રમત આગળ વધી ચુકી છે. બંને ખેલાડીઓ મક્કમ બેટીંગ કરી રહ્યા છે. આવતીકાલની રમત તેમના માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. હેન્ડ્સકોમ્બ ઉપર મુખ્ય આધાર રહેશે. અગાઉની ટેસ્ટ મેચમાં પણ ઓસ્ટ્રેલિયામાં પૂછડિયા બેટ્સમેનો ઉપયોગી બેટીંગ કરી રહ્યા હતા. અગાઉ ભારતે ચેતેશ્વર પુજારાના ૧૯૩ અને ઋષભ પંતના ૧૫૯ રન અણનમની સહાયથી સાત વિકેટે ૬૨૨ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ પણ ૮૧ રન બનાવ્યા હતા.
ભારતના જંગી જુમલાના જવાબમાં બીજા દિવસે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ વિના વિકેટે ૨૪ રન બનાવ્યા હતા. હેરિશ ૧૯ અને ખ્વાજા પાંચ રન સાથે રમતમાં હતા. આજે બંને બેટ્સમેનોએ સ્કોરને આગળ વધાર્યો હતો. એક વખતે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને ૧૨૨ રન કરી લીધા હતા અને તેની સ્થિતી સારી દેખાઇ રહી હતી. ભારત વર્તમાન શ્રેણીમાં ૨-૧ની લીડ ધરાવે છે. ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ પહેલાથી જ ૨-૧ની લીડ ધરાવે છે અને ૭૦ વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણી જીતવા માટે સંપૂર્ણપણે સજ્જ દેખાઈ રહી છે. ભારતે આ પહેલા રમાયેલી મેલબોર્ન ટેસ્ટમાં ઇતિહાસ સર્જીને રેકોર્ડ જીત મેળવી હતી. મેલબોર્ન ટેસ્ટ પહેલા પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી જ્યારે તે પહેલા પ્રથમ ટેસ્ટ મેચમાં એડિલેડ ખાતે ભારતે જીત મેળવી હતી. ભારતની શ્રેણીમાં ૨-૧ની લીડ થયેલી છે ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચમાં અંતિમ ઇલેવનમાં અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇશાંત શર્માને પણ આ ટેસ્ટ મેચથી બહાર રાખવામાં આવ્યો છે. આ ટસ્ટ મેચમાં આક્રમણની જવાબદારી મુખ્યરીતે મોહમ્મદ સામી અને બુમરાહ ઉપર છે.