માઉન્ટ : માઉન્ટ ખાતે રમાયેલી આજે બીજી ડે નાઈટ વન ડે મેચમાં ન્યૂઝિલેન્ડે શ્રીલંકા ઉપર ૨૧ રનથી જીત મેળવી હતી. આની સાથે જ શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી હતી. આજે પણ ન્યૂઝિલેન્ડ તરફથી મુનરોએ ૮૭ અને ટેલરે ૯૦ રન ફટકાર્યા હતા. નિસામે નિર્ણાયક તબક્કામાં ઝંઝાવતી બેટીંગ કરીને ૬૪ રન કર્યા હતા. ન્યૂઝિલેન્ડે નિર્ધારીત ૫૦ ઓવરમાં સાત વિકેટે ૩૧૯ રન કર્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ લડાયક બેટીંગ કરીને ૨૯૮ રન બનાવી શકી હતી. જાકે તેની ૨૧ રને હાર થઈ હતી. ન્યૂઝિલેન્ડ તરફથી સોઢીએ ૯૫ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
શ્રીલંકા તરફથી પરેરાએ તોફાની બેટીંગ કરીને ૭૪ બોલમાં ૧૩ છગ્ગા સાથે ૧૪૦ રન ફટકાર્યા હતા. બાકીના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. અગાઉ ન્યુઝીલેન્ડે શ્રીલંકા ઉપર ૪૫ રને જીત મેળવી હતી. પ્રથમ વન ડે મેચમાં ન્યુઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે ૧૧ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ઝંઝાવતી ૧૩૮ રન ફટકાર્યા હતા જ્યારે વિલિયમસને ૭૬ અને ટેલરે ૩૭ બોલમાં ૫૪ રન ફટકાર્યા હતા. વર્તમાન શ્રેણીમાં ન્યૂઝિલેન્ડના બેટ્સમેને શાનદાર બેટીંગ કરી રહ્યા છે.
આજે શ્રીલંકા તરફથી પરેરાએ છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલાવી હતી. તેની શાનદાર બેટીંગના કારણે જ શ્રીલંકા જીતની નજીક પહોંચી શક્યું હતું. ન્યૂઝિલેન્ડે આજે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે યોગ્ય સાબિત થયો હતો. જાકે પ્રથમ વન ડેમાં સદી કરનાર ગુપ્ટીલ ૧૩ અને કેપ્ટન વિલિયમ્સન એક રન કરીને આઉટ થયા હતા. ટેલરે શાનદાર બેટીંગ કરી હતી.