કન્નુર : કેરળના સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાના મંદિરમાં બે મહિલાઓના પ્રવેશ બાદ ફેલાયેલી તંગદીલી હજુ ઓછી થવાના બદલે વધી રહી છે. હિંસક દેખાવોનો દોર જારી રહ્યો છે. તંગદીલી હિંસક સ્વરૂપ લેતા પોલીસ તંત્રની મુશ્કેલી વધી રહી છે. હિંસાના દોર વચ્ચે વધુ એક મહિલા મંદિરમાં દર્શન કરવા માટે પ્રવેશ કરી ગઇ છે. આ મહિલા દર્શન કરનાર ત્રીજી મહિલા બની છે. હિંસા બાદ કન્નુર જિલ્લાના થલસરીમાં સીપીએમ, સંઘ અને ભાજપના નેતાઓનમા આવાસ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે મોડી રાત્રે ભાજપના સાંસદના આવાસ પર દેશી બોંબ ઝીંકવામાં આવ્યો હતો.
તે પહેલા લેફ્ટ પાર્ટીના ધારાસભ્યના આવાસ પર પણ આવો જ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ડઝન જેટલા માટે ફરિયાદ દાખલ કરી છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હિંસાની ઘટનાઓને ધ્યાનમાં લઈને સ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે. હિંસાઓને ઘટનાઓને લઈને હજુ સુધી ૩૧૭૮ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ ભાજપે આક્ષેપ કર્યો છે કે કેરળમાં થયેલી હિંસા વિજયન સરકાર દ્વારા પ્રાયોજિત છે. રાજ્યમાં થયેલી હિંસાને લઈને ૩૭૯૭૯ લોકોની સામે કુલ ૧૨૮૬ કેસ દાખલ કરવામાં આવી ચુક્યા છે. દેખાવકારોએ પોલીસ અને મીડિયાને પણ ટાર્ગેટ બનાવ્યા છે. કેટલાક સંગઠનો દ્વારા બે મહિલાઓના મંદિરમાં પ્રવેશ સામેના વિરોધમાં ગુરૂવારના દિવસે રાજ્યવ્પાપી બંધની હાકલ કરવામાં આવી હતી.બંધ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી. સબરીમાલાને લઇને વણસી ગયેલી સ્થિતિ બાદ સાવચેતીના તમામ પગલા લઇને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. હજુ સુધીની હિંસામાં ૭૪૫ની ધરપકડ કરવામાં આવી છે. એકનું મોત થયું છે.
૬૨૮ લોકોને અટકાયતી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ૫૫૯ કેસો નોંધવામાં આવી ચુક્યા છે. ૩૫થી વધુ મકાનો અને ઓફિસોમાં તોડફોડ કરીને આગ ચાંપવામાં આવી હતી. ૧૦૦થી વધારે બસો ઉપર હુમલા કરવામાં આવી ચુક્યા છે. કેરળમાં કેએસઆરટીસીને ૩.૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ૧૦ પત્રકારો પણ હિંસાનો શિકાર થયા છે. કેરળના સબરીમાલા મંદિરમાં બે મહિલાઓના પ્રવેશ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં સ્થિતી હજુ પણ વિસ્ફોટક બનેલી છે. ઠેર ઠેર દેખાવો અને હિંસા જારી છે. સ્થિતીને કાબુમાં લેવા માટે પોલીસે વિવિધ પગલા લીધા હોવા છતાં સ્થિતીમાં સુધારો થઇ રહ્યો નથી. હવે હિંસાની સ્થિતીને ધ્યાનમાં લઇને મુખ્યપ્રધાન પિનારાઇ વિજયને કાયદા અને વ્યવસ્થાની સ્થિતી અંગે અહેવાલની માંગ કરી છે. રાજ્યમાં હિંસામાં સેંકડો લોકો ઘાયલ થયા છે. જેમાં પોલીસ જવાનો પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે૧૦-૫૦ વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાથી રોકી શકાય નહીં.