અમદાવાદ : ભારતના ચૂંટણી પંચની તાજેતરની સૂચના અનુસાર રાજ્યની ૭૨-જસદણ વિધાનસભા મત વિભાગ સિવાયની તમામ વિધાનસભા મતવિભાગો ની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ માટે અગાઉ નિયત થયેલ તા. ૦૪ જાન્યુઆરી ૨૦૧૯ને બદલે હવે તા. ૧૭ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યની ૭૨-જસદણ વિધાનસભા મત વિભાગ સિવાયની તમામ વિધાનસભા મત વિભાગોની મતદાર યાદીઓ માટે તા. ૦૧ જાન્યુઆરી ૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ મતદાર યાદીનો મુસદો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત લાયકાત ધરાવતા નાગરિકોનાં નામ દાખલ કરવા, મતદારનું નામ કમી કરવા, મતદારની વિગત સુધારવા, સ્થળ ફેરફાર કરવા માટે રજૂ થયેલ હક્ક-દાવા અને વાંધા અરજીઓનાં સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા નિર્ણય કરી, મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા. ૦૪ જાન્યુઆરી ૨૦૧૯નાં રોજ કરવા ચૂંટણી પંચ દ્વારા સૂચના આપવામાં આવી હતી.
આ ખાસ સુધારણા કાર્યક્રમ હેઠળ રજૂ કરેલ હક્ક-દાવા અને વાંધા અરજીઓ પરત્વે આખરી નિર્ણયસહ મતદારયાદીની અદ્યતન સ્થિતિ, તા. ૧૭ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આખરી પ્રસિદ્ધિ થયા બાદ જાણી શકાશે તેમ, મુખ્ય નિર્વાચન અધિકારીની યાદીમાં જણાવાયું છે.