નવી દિલ્હી : હુમલા કરવાના કેટલાક પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા બાદ હવે નવેસરથી હુમલા કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આના ભાગરૂપે અંકુશ રેખા પર પાકિસ્તાની સેનાના જવાનોની સાથે લશ્કરે તોયબાના ત્રાસવાદીઓ નજરે પડી રહ્યા છે. જેનાથી સંકેત મળી રહ્યા છે કે પાકિસ્તાની ત્રાસવાદીઓ પાકિસ્તાની સેનાની મદદથી હુમલા કરી શકે છે. ભારતીય ચોકીઓ પર હુમલા કરવાના પ્રયાસ થઇ શકે છે. પાકિસ્તાન પોતાના નાપાક ઇરાદાને અંજામ આપવા માટે હવે ત્રાસવાદીઓની મદદ લઇ રહ્યુ છે. સ્પેશિયલ સર્વિસ ગ્રુપના કમાન્ડોની મદદ લેવામાં આવી રહી છે.
રાજારી અને પુછ સેક્ટર પર સ્નાઇપર્સની તૈનાતી કરી દેવામાં આવી છે. સુરક્ષા સંસ્થાઓને મળેલા ઇનપુટના આધાર પર સરહદ પર એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. સુરક્ષા સંસ્થાઓને છેલ્લા કેટલાક દિવસથી સતત ઇનપુટ મળી રહ્યા છે. જેના ભાગરૂપે સરહદ પર લશ્કરે તોયબાના ત્રાસવાદીઓ અને સ્પેશિયલ કમાન્ડો મળીને રાજારી અને પુછ કૃષ્ણા ખીણ સેક્ટરથી હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
આ પહેલા ૩૦મી ડિસેમ્બરના દિવસે પાકિસ્તાન બોર્ડર એક્શન ફોર્સ દ્વારા પણ હુમલા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાને હુમલા કરવા માટે હવે કમાન્ડો અને ત્રાસવાદીઓની ૫-૬ ગ્રુપમાં તૈયારી કરી છે. દરેક ટીમમાં આશરે ૩૦ લોકો હોઇ શકે છે. આ હુમલા રાજારી અને પુછ સેક્ટરના જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવી શકે છે. ભારતીય સુરક્ષા સંસ્થાઓના સુત્રોના કહેવા મુજબ બેટમાં પાકિસ્તાની આર્મીના કમાન્ડોની સાથે ત્રાસવાદીઓ પણ હોય છે. તેઓ ગુરિલા લડાઇમાં ટ્રેડ હોય છે. ત્રાસવાદીઓને બેટમાં કેટલાક કારણથી સામેલ કરાય છે. પાકિસ્તાન પકડાઇ જવાની સ્થિતીમાં તેમને સ્વીકાર ન કરે તે હેતુથી તેમનો સમાવેશ કરાય છે. છેલ્લા થોડાક મહિનામાં જ ભારતે પાકિસ્તાનના ઓછામાં ઓછા ચાર બેટ હુમલાને નિષ્ફળ કર્યા છે.