થિરુવનંતપુરમ : કેરળના સબરીમાલા મંદિરમાં બે મહિલાઓના પ્રવેશ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં સ્થિતી હજુ પણ વિસ્ફોટક બનેલી છે. ઠેર ઠેર દેખાવો અને હિંસા જારી છે. સ્થિતીને કાબુમાં લેવા માટે પોલીસે વિવિધ પગલા લીધા હોવા છતાં સ્થિતીમાં સુધારો થઇ રહ્યો નથી. હવે હિંસાની સ્થિતીને ધ્યાનમાં લઇને મુખ્યપ્રધાન પિનારાઇ વિજયને કાયદા અને વ્યવસ્થાની સ્થિતી અંગે અહેવાલની માંગ કરી છે. રાજ્યમાં હિંસામાં સેંકડો લોકો ઘાયલ થયા છે. જેમાં પોલીસ જવાનો પણ સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે૧૦-૫૦ વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાથી રોકી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદથી મંદિરમાં પ્રવેશ કરવા માટેના સતત પ્રયાસ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યા હતા.
શ્રદ્ધાળુઓ દ્વારા હજુ સુધી કોઇ મહિલાને પ્રવેશની મંજુરી આપી નથી. જા કે આ બે મહિલાના દાવાથી હોબાળો મચી ગયો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ કોઇ પણ પ્રતિબંધિત મહિલા અયપ્પાના દર્શન કરવામાં સફળ રહી નથી. સ્થાનિક પુજા ૧૪મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ સીપીઆઇ અને ભાજપના કાર્યકરો વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનુ મોત થયુ હતુ. સાથે સાથે બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
મહિલાઓના પ્રવેશને લઇને જારદાર વાંધો ઉઠાવામાં આવી રહ્યો છે. સબરીમાલા વિવાદ પર કેરળના મુખ્યમંત્રી વિજયને કહ્યું છે કે, મહિલાઓને સુરક્ષા આપવાની તેમની જવાબદારી રહેલી છે. સરકાર બંધારણીય જવાબદારી અદા કરવ માટે તૈયાર છે. સંઘ પરિવારના લોકો સબરીમાલાને યુદ્ધ સ્તરમાં ફેરવી દેવા ઇચ્છુક છે. કેરળ સરકાર દરરોજ કોઇને કોઇ લોકોને મોકલીને પરમ્પરા સાથે રમત રમી રહી હોવાનો આરોપ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવે છે. આ તહેવારની સિઝન છે. દરરોજ મંદિરમાં એકથી બે લાખ લોકો આવે છે પરંતુ સરકારની કાર્યવાહીના લીધે સંખ્યા ઘટીને ૧૦થી ૧૨ હજાર થઇ ગઈ છે. કેટલાક સંગઠનો દ્વારા આજે રાજ્યવ્પાપી બંધની હાકલ કરવામાં આવી હતી. બંધ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી.