નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર તેની વર્તમાન અવધિમાં અંતિમ બજેટ હવે રજૂ કરનાર છે. બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે સંરક્ષણ ફાળવણીમાં ઉલ્લેખનીય વધારો કરવામાં આવે તેવા સમાચાર મળી રહ્યા છે. બજેટમાં સંરક્ષણ ફાળવણીને વધારી દેવા માટે કેટલાક કારણો રહેલા છે. હાલમાં ત્રાસવાદી હુમલામાં સતત વધારો થયો છે. જેથી સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં લઇને કેટલીક નવી જોગવાઇ કરવામાં આવી શકે છે. બીજી બાજુ પેન્સન બિલમાં પણ વધારો કરવામાં આવી શકે છે.
અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ હતુ કે સંરક્ષણ મંત્રાલય અન્ય કેટલાક મહત્વના પગલાની માંગ કરી રહ્યુ છે. નાણાં મંત્રાલય સમક્ષ તેના દ્વારા રજૂઆત કરવામાં આવી ચુકી છે. કેટલાક પ્રોજેક્ટ સમયસર હાથ ધરી શકાયા નથી જેથી વધારે ફંડની માંગ કરવામાં આવી છે.
વન રેન્ક વન પેન્સનના કારણે પણ સરકાર પર વધારે બોજ આવી ગયો છે. આ યોજના મોદી સરકાર અમલી બનાવી ચુકી છે. સંરક્ષણ ક્ષેત્ર માટે કુલ ફાળવણી કેટલી રહેશે તે સંબંધમાં વધારે માહિતી મળી શકી નથી. દુનિયાના તમામ દેશો તાજેતરના સમયમાં સંરક્ષણ બજેટમાં વધારો કરી રહ્યા છે. ભારતમાં તાજેતરના સમયમાં ત્રાસવાદી હુમલા વધી રહ્યા છે ત્યારે સંરક્ષણ ફાળવણીને વધારી દેવામાં આવે તે જરૂરી છે. નાણાં પ્રધાન અરૂણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરનાર છે. બજેટમાં વર્તમાન વૈશ્વિક સ્થિતી અને ખાસ કરીને પડોથી દેશ પાકિસ્તાન અને ચીનની હિલચાલને ધ્યાનમાં લઇને બજેટમાં નવી જોગવાઇ કરવામાં આવી શકે છે.