અમદાવાદ : રાજ્યભરમાં ચકચાર મચાવનાર બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ, તેની પત્ની પૂજા શાહ સાથે મળી મિત્રો સાથે દારૂ-હુક્કાની મહેફિલ માણતાં રંગેહાથ ઝડપાઇ જવાના ચકચારભર્યા પ્રકરણમાં વિસ્મય શાહની જામીનઅરજીની સુનાવણી હાઇકોર્ટના બે જજીસ દ્વારા નોટ બી ફોર મી કરાયા બાદ આજે જસ્ટિસ વી.બી.માયાણીની કોર્ટમાં આ કેસની સુનાવણી નીકળી હતી. જા કે, આ વખતે વિસ્મય તરફથી સિનિયર કાઉન્સેલ હાજર નહી રહેતાં વિસ્મયની જામીનઅરજીમાં ફરી એકવાર મુદત પડી ગઇ હતી.
જસ્ટિસ વી.બી.માયાણીએ આ કેસની વધુ સુનાવણી તા.૭મી જાન્યુઆરીએ રાખી હતી. જેને પગલે વિસ્યમ શાહ આણિમંડળીને હજુ થોડા દિવસ જેલમાં જ રહેવુ પડશે. ઉલ્લેખનીય છે કે, વિસ્મય શાહની જામીનઅરજી ગઇકાલે જસ્ટિસ એ.પી.ઠાકરે નોટ બી ફોર મી કરી હતી. તેના આગલા દિવસે જ હાઇકોર્ટના સીંગલ જજ જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ પણ વિસ્મય શાહની જામીનઅરજીની સુનાવણી કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને આ કેસની જામીનઅરજીની મેટર નોટ બી ફોર મી કરી હતી.
આમ હાઇકોર્ટના બંને જજ દ્વારા વિસ્મયની મેટર નોટ બી ફોર મી થતાં તેની મુશ્કેલીમાં વધારો થયો છે. બંને જજે પણ વિસ્મયની જામીનઅરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરતાં હવે એકટીંગ ચીફ જસ્ટિસ અનંત એસ.દવેએ મેટર જસ્ટિસ વી.બી.માયાણીની કોર્ટમાં સુનાવણી અર્થે મોકલી હતી. જેની સુનાવણી આજે જસ્ટિસ માયાણીની કોર્ટમાં નીકળી પરંતુ ખુદ વિસ્મયના સિનિયર કાઉન્સેલ જ હાજર નહી હોવાથી મુદત માંગવામાં આવી હતી અને તેથી હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૭મી જાન્યુઆરીએ મુકરર કરી હતી. આમ, વિસ્મય આણિમંડળીને દારૂ-હુક્કાની મહેફિલ માણવી બહુ મોંઘી અને કષ્ટદાયક નીવડી છે અને તેના કારણે, વિસ્મય આણિમંડળીને થર્ટી ફર્સ્ટ અને ન્યુ યરનું સેલિબ્રેશન જેલમાં કરવાનો વારો આવ્યો અને હજુ વધુ દિવસ જેલમાં રહેવું પડશે