થિરુવનંતપુરમ: કેરળની બે મહિલાઓએ સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાના દર્શન કરવાનો દાવો કરતા ખળખભળાટ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે૧૦-૫૦ વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાથી રોકી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદથી મંદિરમાં પ્રવેશ કરવા માટેના સતત પ્રયાસ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યા હતા. શ્રદ્ધાળુઓ દ્વારા હજુ સુધી કોઇ મહિલાને પ્રવેશની મંજુરી આપી નથી. જા કે આ બે મહિલાના દાવાથી હોબાળો મચી ગયો છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ કોઇ પણ પ્રતિબંધિત મહિલા અયપ્પાના દર્શન કરવામાં સફળ રહી નથી. બે મહિલાઓએ દાવો કર્યો છે કે તેઓએ ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે. આ બે મહિલાઓ પૈકી એકની ઓળખ બિન્દુ તરીકે અને બીજી મહિલાની ઓળખ કનકદુર્ગા તરીકે થઇ છે. બંને મહિલાઓએ એક સ્થાનિક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ છે કે વહેલી પરોઢે ત્રણ વાગે મંદિરમાં દર્શન કરી લીધા છે. મહિલાઓની સાથે પોલીસ જવાનો હતા. પોલીસ સુરક્ષા વચ્ચે તેઓ મંદિરમાં પ્રવેશી ગઇ હતી.
દર્શન કરવામાં આવ્યા બાદ બંને મહિલા ક્યા ગઇ છે તે અંગે માહિતી આપવામાં આવી નથી. બંને મહિલાઓની વય ૪૦ વર્ષથી નીચેની છે. સ્થાનિક પુજા ૧૪મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવનાર છે. એક દિવસ પહેલા જ સબરીમાલા મંદિરાં પ્રવેશને લઇને કેરળમાં માનવ ચેન મહિલાઓ દ્વારા બનાવવામા આવી હતી. જેના પર ભાજપ અને સંઘના કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી તંગ સ્થિતી સર્જાઇ ગઇ હતી. પોલીસે ત્યારબાદ બળ પ્રયોગ કરીને ટોળાને અલગ કર્યા હતા.