અમદાવાદ : શહેરના કોચરબ વિસ્તારમાં આવેલી પ્રમુખ ઓર્થોપેડિક હોસ્પિટલમાં એક શિક્ષિકાના ઢીંચણનું ઓપરેશન કરતી વખતે ડોક્ટરોની બેદરકારીથી સર્જિકલ ક્લિપ પગમાં રહી જવાનો કિસ્સો સામે આવ્યો છે. આપરેશન બાદ શિક્ષિકાને પગમાં દુખાવો થતો હોવાથી તેમણે ગાંધીનગર ખાતે ઢીંચણનો એક્સ-રે કરાવ્યો હતો, જેમાં સર્જિકલ ક્લિપ રહી ગઇ હોવાનું સામે આવ્યું હતું. ગાંધીનગર સેક્ટર-ર૬માં આવેલ કિશાનનગરમાં રહેતાં અને સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકા તરીકે ફરજ બજાવતા પ૬ વર્ષીય આનંદીબહેન સાંકાભાઇ પટેલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પ્રમુખ ઓર્થોપડિક હોસ્પિટલના ડો.શરદ ઓઝા અને ડો.હેમ ઓઝા વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.
જેને પગલે પોલીસે પ્રમુખ (રેસ્ટોની) ઓર્થોપેડિક હોસ્પિટલના ડો. શરદ ઓઝા અને ડો. હેમ ઓઝા વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે તારીખ ૧૮ જુલાઇ, ર૦૧૭ના રોજ આનંદીબહેનના ડાબા પગમાં દુખાવો થતો હોવાથી તે તેમના પતિ સાથે પાલડી નજીક કોચરબ આશ્રમ ખાતે આશીર્વાદ એવન્યૂમાં આવેલી પ્રમુખ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ડો.શરદ ઓઝા તથા ડો.હેમ ઓઝાને બતાવવા માટે આવ્યા હતા. બન્ને ડોક્ટરોએ આનંદીબહેન અને સાંકાભાઇને જણાવ્યું હતું કે ઢીંચણના બન્ને સાંધા ભેગા થઇ ગયા છે, જેથી ઓપરેશન કરીને બન્ને વચ્ચે જગ્યા કરવી પડશે. તારીખ ૮ ઓગસ્ટ, ર૦૧૭ના રોજ સવારે આનંદીબહેનના ઢીંચણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આપરેશન બાદ પાંચ દિવસ સુધી આનંદીબહેને હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને ત્યારબાદ તેમને રજા આપી હતી.
તારીખ ૧૮ના રોજ ડોક્ટરે આનંદીબહેનના ટાંકા તોડ્યા હતા અને ડ્રેસિંગ કર્યા બાદ કસરત કરવાની સલાહ આપી હતી. આનંદીબહેન કસરત કરતાં હતાં ત્યારે તેમના પગમાં દુખાવો ચાલુ રહેતો હતો, જેથી તે અવારનવાર ડો.શરદ ઓઝાને બતાવવા માટે આવતાં હતાં. ડો.શરદ ઓઝા એક્સ-રેમાં જોઇને પગમાં સારું હોવાનું આનંદીબહેનને કહેતા હતા. આનંદીબહેનના પગનો દુખાવો ઓછો નહીં થતાં તેમણે ગાંધીનગર ખાતે આવેલ ડો.અસીમ શાહના અરિહંત ડિજિટલ એક્સ-રે ખાતે ઢીંચણનો એક્સ-રે કરાવ્યો હતો. આનંદીબહેનના પગનો એક્સ-રે કરાવતાં ડો.અસીમ શાહે પગમાં સર્જિકલ ક્લિપ રહી ગઇ હોવાનું કહ્યું હતું. તારીખ ૧ર માર્ચ, ર૦૧૮ના રોજ સાંકાભાઇએ ડો.શરદ ઓઝાને ફોન કરીને તેમની ગંભીર બેદરકારી હોવાની જાણ કરી હતી.
બીજા દિવસે સાંકાભાઇ આનંદીબહેનને પ્રમુખ ઓર્થોપેડિક હોસ્પિટલમાં બતાવવા આવ્યા હતા. સાંકાભાઇ કાર પાર્ક કરવા માટે ગયા ત્યારે આનંદીબહેન હોસ્પિટલમાં ગયા હતા. સાંકાભાઇની મંજૂરી વગર ડો.શરદ અને ડો.હેમ ઓઝા આનંદીબહેનને આપરેશન થિયેટરમાં લઇ ગયા હતા અને એનેસ્થેસિયા આપીને ઓપરેશન કરીને ક્લિપ કાઢવાની કોશિશ કરી હતી. સાંકાભાઇ હોસ્પિટલમાં આવ્યા ત્યારે આનંદીબહેન હતા નથી, જેથી તેમને રિસેપ્શન પર પૂછ્યું હતું, જેથી તેમને જવાબ આપવામાં ગલ્લાતલ્લા કર્યા હતા. એક કલાક સુધી આનંદીબહેન નહીં મળતાં સાંકાભાઇ સીધા ઓપરેશન થિયેટરમાં જતા રહ્યા હતા જ્યાં શરદ ઓઝા તેમના પગના ટાંકા લેતા હતા. સાંકાભાઇએ શરદ ઓઝાને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન વખતે ઢીંચણમાં રહી ગયેલી સર્જિકલ ક્લિપ બહાર કાઢવા માટે ઓપરેશન કર્યું છે, પરંતુ ક્લિપ કાઢી શક્યા નથી. આ મામલે સાંકાભઇ અને આનંદીબહેન પટેલ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી હતી, જોકે પોલીસે મંથરગતિએ તપાસ કરતાં સાંકાભાઇએ હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી.
હાઇકોર્ટે સાંકાભાઇ ફરિયાદ પર તપાસ કરવી અને જો ડોક્ટરની ગંભીર બેદરકારી હોય તો ગુનો દાખલ કરવો એવો આદેશ કર્યો હતો. એ પછી પણ ફરિયાદ દાખલ નહી થતાં સાંકાભાઇ અને આનંદીબહેન પટેલ પોલીસ કમિશનર એ.કે.સિંઘને મળ્યા હતા. એ.કે.સિંઘે એલીસબ્રીજ પોલીસને આદેશ આપ્યા હતા કે કેસની તપાસ કરીને ડોક્ટરની બેદરકારી છે કે નહીં તે માટે મેડીકલ બોર્ડમાં અભિપ્રાય લેવા જણાવ્યું હતું અને આખરે તપાસના અંતે ગઇકાલે ડો.શરદ ઓઝા અને ડો. હેમ ઓઝા વિરુદ્ધમાં ગુનો દાખલ કરાયો હતો.