મેલબોર્ન : મેલબોર્ન ક્રિકેટ ટેસ્ટ મેચમાં જીત બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ઇરાદા બિલકુલ સ્પષ્ટ કરી દીધા હતા. કોહલીએ કહ્યું હતું કે, મેલબોર્નમાં જીત બાદ અમે અહીં રોકાવવા માટે ઇચ્છુક નથી. સિડનીમાં પણ ટેસ્ટ મેચ જીતીને વધુ મોટા અંતર સાથે જીત મેળવવાનો સંકેત કોહલીએ આપ્યો હતો. જીતના સંદર્ભમાં પણ વિરાટ કોહલીએ વાત કરી હતી. આ ટેસ્ટ મેચમાં જીતની સાથે જ ભારત પર ટેસ્ટ શ્રેણી ગુમાવવાનું સંકટ ટળી ગયું છે.
જા ભારત સિડનીમાં પણ જીત હાંસલ કરી લેશે તો ઓસ્ટ્રેલિયામાં ભારત નવો ઇતિહાસ સર્જશે અને પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતશે. ભારતીય કેપ્ટને ટીમ ઇન્ડિયાના સ્થાનિક ક્રિકેટ પર પ્રશ્નો ઉઠાવનાર કોમેન્ટેટર માર્ગ વોગ અને સ્ટીવ વોગની પણ ઝાટકણી કાઢી હતી. મેચ બાદ કોહલીએ ભારતીય ટીમના દેખાવની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, અમારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ગુણવત્તા ધારા ધોરણ ખુબ ઉંચા સ્તરના છે. આજ કારણસર અમે અહીં જીતી શક્યા છે. આ જીત માટેની ક્રેડિટ ભારતના ફર્સ્ટક્લાસ સેટઅપને જાય છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ફાસ્ટ બોલરો માટે પડકારો ખુબ મુશ્કેલરુપ છે.
આજ કારણસર વિદેશમાં શાનદાર દેખાવ કરી રહ્યા છે. ભારતીય કેપ્ટને આ ટિપ્પણી કરતી વેળા કોઇના નામનો ઉલ્લેખ કર્યો ન હતો પરંતુ જાણકાર લોકોનું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ દ્વારા કરવામાં આવી રહેલી ટિપ્પણીનો જવાબ કેપ્ટને આપ્યો હતો. મેન ઓફ દ મેચ બનનાર બુમરાહે કહ્યું હતું કે, તેની સફળતા પાછળ રણજીટ્રોફીની મોટી ભૂમિકા છે. આ મેચમાં ભારતને જીત અપાવવામાં ચાવીરુપ ભૂમિકા અદા કરનાર બુમરાહને ૮૬ રનમાં નવ વિકેટ ઝડપી હતી. કોહલીએ બુમરાહ, પુજારા અને પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા મયંક અગ્રવાલની પ્રશંસા કરી હતી. અહીં જીતીને અમારો આત્મવિશ્વાસ વધી ગયો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હવે સુરક્ષિત બની ગઈ છે. અંતિમ ટેસ્ટ મેચ આડે ત્રણ દિવસનો સમય છે પરંતુ ટીમે સિડની ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. પ્રથમ ઇનિંગ્સમાં ૨૯૨ રનની લીડ હોવા છતાં ફોલોઓન નહીં કરવાના સંદર્ભમાં કોહલીએ કહ્યું હતું કે, આ સંદર્ભમાં તેમની ગણતરી બિલકુલ પાકી હતી. તે માને છે કે, ૪૦૦નો સ્કોર હંમેશા કોઇપણ ટીમ માટે પડકારરુપ રહે છે.