મુંબઈ : વર્ષ ૨૦૧૮ની પૂર્ણાહૂતિ થઇ રહી છે ત્યારે બિઝનેસના ક્ષેત્રમાં પણ અનેક મોટી ઘટનાઓ ઘટી ગઈ છે. જેને લઈને દેશભરમાં ચર્ચા રહી હતી. બિઝનેસના ક્ષેત્રમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેની દુરગામી અસર જોવા મળશે. આ ઉપરાંત બિઝનેસના ક્ષેત્રમાં કેટલાક ટોપ માથાઓએ રાજીનામું આપીને પણ તમામને ચોંકાવ્યા હતા. મોટા નિર્ણયોની અસર જોવા મળી રહી છે. આર્થિક અને નાણાકિય બજેટમાં મોટા ફેરફાર પણ થયા હતા. આને લઈને કારોબારી અને સામાન્ય લોકોમાં ચર્ચા રહી હતી. વિદાય લેતા વર્ષ ૨૦૧૮માં બિઝનેસના ક્ષેત્રે ઘટેલી મોટી ઘટનાઓ નીચે મુજબ છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ બન્યા
રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે ૧૧મી ડિસેમ્બરના દિવસે પૂર્વ ફાઈનાન્સ સેક્રેટરી શક્તિકાંત દાસની નિમણૂંક કરવામાં આવી હતી. આની સાથે જ આરબીઆઈના ગવર્નર કોણ બનશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. આરબીઆઈએ નવી નિમણૂંક કરી હતી. શક્તિકાંત વિતેલા વર્ષોમાં જુદા જુદા હોદ્દા પર કામ કરી ચુક્યા છે. શક્તિકાંત દાસની નિમણૂંકને કેબિનેટની કમિટિએ લીલીઝંડી આપી દીધી હતી. તેમની અવધિ ત્રણ વર્ષ માટેની રહેશે. શક્તિકાંત દાસ ભૂતપૂર્વ ઇકોનોમિક અફેયર્સ સેક્રેટરી તરીકે રહી ચુક્યા છે. ૨૦૧૫થી ૨૦૧૭ સુધી આ હોદ્દા ઉપર રહ્યા હતા. કેન્દ્રીય બેંકની સાથે ખુબ નજીકના અંતરથી કામ કર્યું છે. હાલમાં તેઓ ફાઈનાન્સ કમિશનમાં મેમ્બર તરીકે હતા. સાથે સાથે તેઓ જી-૨૦માં સરકારના પ્રતિનિધિ પણ રહી ચુક્યા છે. આરબીઆઈ અને સરકાર વચ્ચે હાલમાં અનેક મુદ્દે મતભેદની સ્થિતિ રહી હતી. રિઝર્વ બેંકની મહત્વપૂર્મ બેઠક પહેલા જ ઉર્જિત પટેલે રાજીનામુ આપી દીધું હતું.
આરબીઆઈ ગવર્નર તરીકે ઉર્જિત પટેલનું રાજીનામું
આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે ૧૦મી ડિસેમ્બરના દિવસે આખરે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તાત્કાલિક રીતે અમલી બને તે રીતે ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું હતું. રિઝર્વ બેન્કની વેબસાઈટ ઉપર તેમના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ મુજબની વાત કરવામાં આવી હતી. ઉર્જિત પટેલે નિવેદનમાં કહ્યું હતું કે અંગત કારણોસર તેઓએ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. વર્તમાન પોઝીશન પરથી તાત્કાલિક રીતે અમલી બને તે રીતે રાજીનામું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉર્જિત પટેલે નિવેદનમાં કહ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સેવા કરવાની તેમને તક મળી હતી તેને લઈને ગર્વની લાગણી અનુભવ કરે છે. આ ગાળા દરમિયાન સંપૂર્ણ ક્ષમતા સાથે કામગીરી અદા કરી હતી. આરબીઆઈના સ્ટાફ, ઓફિસરો અને મેનેજમેન્ટના કઠોર કામને સમર્થન આપ્યું હતું. તાજેતરના વર્ષોમાં બેન્કે અનેક ઉલ્લેખનિય સિદ્ધિઓ હાંસલ કરી છે. ત્રણ વર્ષની અવધિ માટે સપ્ટેમ્બર ૨૦૧૬માં આરબીઆઈના ૨૪માં ગવર્નર તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. તેમની અવધિ ૨૦૧૯માં પુરી થઈ રહી હતી.
માલ્યાના પ્રત્યાર્પણને લીલીઝંડી
ભારતીય બેન્કોની સાથે ૯૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયેલા શરાબ કારોબારી વિજય માલ્યાને ૧૦મી ડિસેમ્બરના દિવસે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે સુનાવણી દરમિયાન બ્રિટનની વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે વિજય માલ્યાના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી હતી. ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં વચેટીયા મિશેલને પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યા બાદ હવે સરકારને બીજી મોટી સફળતા મળી હતી. હવે માલ્યાને પ્રત્યાર્પણ કરીને ભારતમાં લાવવામાં આવનાર છે. માલ્યાના પ્રત્યાર્પણના આદેશને મંજુરી આપી દેવામાં આવી હતી. માલ્યાને હવે નિષ્ક્રિય થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સના પતનથી ઉભા થયેલા આરોપનો સામનો કરવો પડશે. ચીફ મેજિસ્ટ્રેટ જજ એમ્મા દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે ફ્રોડ માટે વિજય માલ્યા સામે પુરાવા રહેલા છે. છેલ્લા ઘણા સમયથી માલ્યાને ભારત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. બ્રિટનની કોર્ટના ચુકાદા બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે ભારત સાથે છેતરપિંડી કરનાર કોઈપણ વ્યક્તિ બચી શકશે નહીં. ભારત માટે આ મોટો દિવસ છે. બ્રિટન કોર્ટનો ચુકાદો સ્વાગતરૂપ છે. યુપીએના ગાળા દરમિયાન આ અપરાધીને લાભ થયા હતા. એનડીએ સરકાર તેને પરત લાવી રહી છે. બીજી બાજુ સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું છે કે આ કેસને ટુંકમાં જ પૂર્ણ કરી લેવાશે અને તેમને ભારત લવાશે. કિંગ ફિશર એરલાઈન્સના પ્રમુખ રહી ચુકેલા ૬૨ વર્ષીય વિજય માલ્યા પર ૯૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ થયેલો છે. આ કૌભાંડ બાદ વિજય માલ્યા ભારત છોડીને ફરાર થઇ ગયા હતા અને હાલમાં બ્રિટનમાં છે.
ચંદા કોચરને રાજીનામું આપવું પડ્યું
આઈસીઆઈસીઆઈ બેંકના પ્રમુખ અને દેશના મહિલાઓ માટે પ્રેરણા સમાન બની ગયેલા ચંદા કોચરને પણ બેન્કીંગ વિવાદના મામલામાં રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી. અનિયમિતતાના મામલામાં ચંદા કોચરને રાજીનામું આપવું પડ્યું હતું અને પોતાની ૩૦ વર્ષની કેરિયરનો અંત આવી ગયો હતો. તેમના ઉપર આક્ષેપ કરાયો હતો કે વીડિયોકોનને ૩૨૫૦ કરોડ રૂપિયાની લોન અપાવવામાં અનિયમિતતા દાખવવામાં આવી હતી. ભારે વિવાદ થયા બાદ ચંદા કોચરને રાજીનામું આપવાની ફરજ પડી હતી અને આઈસીઆઈસીઆઈ બેંકમાંથી નિકળી ગયા હતા. હજુ પણ તેમની સામે આ મામલામાં તપાસ ચાલી રહી છે.
હસમુખ અઢિયા સેવા નિવૃત્ત
નોટબંધી અને જીએસટીમાં મુખ્ય ભૂમિકા અદા કરનાર હસમુખ અઢિયા નાણાંકીય સચિવ તરીકે નિવૃત્ત થઈ ગયા હતા. તેઓએ સેવા એક્સટેન્શન લેવાનો ઈનકાર કરી દીધો હતો. અલબત્ત બજેટ સાથે જાડાયેલા કામ પરિપૂર્ણ કરવામાં તેમની મદદ લેવામાં આવી રહી છે. સેવા વિસ્તરણની આમાં પરંપરા રહેલી છે. હસમુખ અઢિયાએ નોટબંધીના ગાળા દરમિયાન ભારતીય લોકોમાં ચર્ચા જગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના લોકો પૈકીના એક તરીકે હસમુખ અઢિયા રહ્યા હતા.
અરવિંદ સુબ્રમણ્યમે હોદ્દો છોડ્યો
પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરિંદ સુબ્રમમણ્યમે પણ એકાએક હોદ્દો છોડીને આર્થિક જગતમાં ભારે ચર્ચા જગા હતી. તેઓએ રાજીનામું આપી દેવા માટે અંગત કારણો આપ્યા હતા. રાજીનામું આપી દીધા બાદ અરવિંદ સુબ્રમણ્યમે કેટલાક મુદ્દાઓ પર વાત કરીને ચર્ચા જગાવી હતી. તાજેતરમાં જ જારી કરવામાં આવેલા તેમના પુસ્તકમાં મોદી સરકારના સૌથી વિવાદાસ્પદ નિર્ણય પૈકીના એક તરીકે નોટબંધીને ગણાને ચર્ચા જગાવી હતી.
એક્સીસ બેંકના શીખા શર્મા ચર્ચામાં રહ્યા
દેશની ત્રીજી સૌથી મોટી બેંક એક્સીસ બેંકના મુખ્ય નિર્દેશક શીખા શર્માને બેંકના બોર્ડે ત્રણ વર્ષમાં સેવા વિસ્તરણ આપવા થયેલી મે ૨૦૨૧ સુધીની અવધિના મુદ્દા ઉપર વિચારણા કરવામાં આવી હતી. જાકે આરબીઆઈએ શીખા શર્માને ૨૦૨૧ સુધી હોદ્દા ઉપર ચાલુ રહેવાને મંજુરી આપી ન હતી. આ દરખાસ્તને આરબીઆઈએ ફગાવી દીધી હતી. અલબત્ત, શીખા શર્માને ૩૧મી ડિસેમ્બર સુધી હોદ્દા ઉપર રહેવાની છૂટછાટ અપાઈ હતી. યસ બેંકના સીઈઓ રાણા કપૂર સાથે પણ આવું જ થયું હતું. તેમને પણ ૩૧મી ઓગસ્ટ ૨૦૨૧ સુધી એક્ષટેન્સન આપવાનો નિર્ણય કરાયો હતો પરંતુ આરબીઆઈ આને મંજુરી આપવાનો ઈનકાર કરી દીધો હતો.
પસંદગીના ચેનલો માટે મંજુરી
ભારતીય દુરસંચાર નિયામક ટ્રાઈએ ટીવી ચાહકોને પોતાની પસંદગીની ચેનલ જાવા માટે મંજુરી આપી દીધી છે. પ્રસારકોને પોતાના દરેક ચેનલ માટે અલગ રીતે ચાર્જ ચુકાવવા માટે કહેવાયું છે. આ હેઠળ નક્કી કરવામાં આવેલી ૨૯મી ડિસેમ્બર ૨૦૧૮ની મર્યાદાને વધારીને ૩૧મી જાન્યુઆરી ૨૦૧૯ સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગ્રાહકોને સસ્તામાં ટીવી ચેનલો જાવાની મંજુરી મળશે.
ડેટા સુરક્ષાને લઈને નિર્ણય
ડેટા સુરક્ષાને લઈને સરકારે ગુગલ, ફેસબુક, વોટ્સએપ જેવી ટોપની બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે ભારતમાં ગ્રાહકોના ડેટા દેશમાં સેવ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હવે વિઝા, માસ્ટર કાર્ડ જેવી નાણાંકીય સેવાઓ અને એમેઝોન જેવા ઓનલાઈન સ્ટોર પણ તેની હદમાં આવી ગયા છે. ડેટા સુરક્ષાને લઈને સરકાર વધુ ગંભીર દેખાઈ છે. દેશમાં જ સરવર ઉપર ભાર મુકામાં આવ્યા બાદ ડેટા સુરક્ષાને પ્રાથમિકતા મળી છે. અલબત્ત ડેટાને લઈને કેન્દ્ર સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે ખેંચતાણની સ્થિતિ પણ રહી છે.
મુકેશ અંબાણીની સંપત્તિ વધી
વર્ષ ૨૦૧૮માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના સારા દેખાવના પરિણામ સ્વરૂપે અબજાપતિ મુકેશ અંબાણીની સંપત્તિમાં ઉલ્લેખનિય વધારો થયો છે. મુકેશ અંબાણીએ અલીબાબા ગ્રુપના સ્થાપક જેકમાને પાછળ છોડીને એશિયામાં સૌથી અમીર વ્યક્તિ હોવાની સિદ્ધિ હાંસલ કરી છે. ખાસ બાબત એ છે કે આ વખતે એશિયાના ૧૩૮ સૌથી અમીર લોકોની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે ત્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં ચાર અબજ ડોલરનો વધારો જાવા મળ્યો હતો. બ્લુમબર્ગ દ્વારા જારી કરવામાં આવેલા સ્કોરમાં કહેવામાં આવ્યું હતું કે અબજાપતિની સંપત્તિમાં ઉલ્લેખનિય ઘટાડો જાવા મળ્યો છે. મુકેશ અંબાણી સતત સૌથી અમીર વ્યક્તિ તરીકે રહ્યા છે અને તેમની કંપનીની સંપત્તિ પણ વધી છે.
વિશ્વનો સૌથી મોટો ઈ-કોમર્સ સોદો થયો
વોલમાર્ટે દેશની ફ્લિપકાર્ટને ખરીદી લઈને વિશ્વનો સૌધી મોટો ઈ-કોમર્સ સોદો પાર પાડ્યો હતો. એમેઝોનને ટક્કર આપવાના હેતસર વોલમાર્ટે ફ્લિપકાર્ટને ૧૬ અબજ ડોલરમાં ખરીદી લેવાનો નિર્ણય કર્યો હતો. ફ્લિપકાર્ટની કિંમત ૨૨ અબજ ડોલર રાખવામાં આવી હતી. વોલમાર્ટ ઈન્કે દેશની સૌથી મોટી ઓનલાઈન રિટેલર ફ્લિપકાર્ટમાં ૭૭ ટકા હિસ્સો ૧૬ અબજ ડોલરમાં ખરીદી લીધો હતો. વોલમાર્ટે આ સોદામાં ૨૦ મહિના વાટાઘાટો ચલાવી હતી. આની સાથે સૌથી મોટી સમજૂતિ પાર પડી હતી. એમેઝોનમાં વૈશ્વિક વિસ્તરણ યોજનાને ટક્કર આપવાના હેતુસર આ સોદાબાજી થઈ હતી.
રેમન્ડ પિતા પુત્ર વચ્ચે કાયદાકીય જંગ
વર્ષ ૨૦૧૮માં રેમન્ડ કંપનીના માલિક અને પુત્ર વચ્ચે કાયદાકીય જંગે પણ ભારે ચર્ચા જગાવી હતી. રેમન્ડ આજે વર્ષોથી જાણિતી બ્રાન્ડ તરીકે અકબંધ રહી છે. કરોડો રૂપિયાનો કારોબાર ધરાવે છે. રેમન્ડના સ્થાપક વિજયપત સિંઘાનિયા અને તેમના સગા પુત્ર ગૌતમ સિંઘાનિયા વચ્ચે ખેંચતાણ સમગ્ર વિશ્વમાં જાણીતી છે. આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કંપનીમાં ચેરમેન વિજયપત સિંઘાનિયાના એક પુત્ર દ્વારા હોદ્દા પરથી દુર કરવાની ઘટનાએ ચર્ચા જગાવી હતી. કોર્પોરેટ જગતમાં આ બનાવની ચર્ચા ઘણા દિવસ સુધી રહી હતી. સિંઘાનિયાનો પુત્ર ગૌતમ કંપનીમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર તરીકે છે. પોતાને ઘરવિહોણા કરી દેવા બદલ પિતાએ કાયદાકીય લડત શરૂ કરી છે જે હજુ જોર છે.
નિરવ મોદી અને મેહુલ ચોકસીની ચર્ચા
નિવર મોદી અને મેહુલ ચોકસીએ કરોડો રૂપિયાની ઠગાઈ કરીને ફરાર થઈ જવામાં સફળતા મેળવી હતી. ગિતાંજલી જેમ્સના નિરવ મોદી અને મેહુલ ચોકસી સામે તપાસ ચાલી રહી છે. તેમને ભારત લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. અબજાપતિ નિરવ મોદી અને બિઝનેસ પાર્ટનર મેહુલ ચોકસી દ્વારા પંજાબ નેશનલ બેન્કમાં ૧૧૪૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. આ કૌભાંડમાં બેંકના કર્મચારીઓ પણ સીધી રીતે સામેલ હતા. આ કૌભાંડને ભારતીય બેન્કીંગ ક્ષેત્રના સૌથી મોટા કૌભાંડ તરીકે ગણવામાં આવે છે. જેમાં જનરલ મેનેજર સ્તરના લોકો સામેલ હતા. પીએનબીમાં ૯૧ મિલિયનની રકમનો ફ્રોડનો મામલો સપાટી પર આવ્યો હતો.
વોડાફોન-આઈડિયા જોડાણ
દેશની બે ટોચની મોબાઈલ કંપનીઓ વોડાફોન અને આઈડિયા સેલ્યુલર દ્વારા જાડાણ કરીને એક મહાકાય કંપની ઉભી કરવામાં આવી ચુકી છે. બ્રિટનના વોડાફોન ગ્રુપ અને ભારતના આદિત્ય બિરલા ગ્રુપે સાથે મળીને આ નવી કંપનીમાં ૫૦-૫૦ ટકાની હિસ્સેદારી કરી લીધી છે. આ બંને કંપનીઓ વચ્ચે ૨૩ અબજ ડોલરનો મહાકાય સોદો થયો હતો જે ભારતીય કોર્પોરેટ જગતમાં સૌથી મોટા સોદા પૈકીના એક તરીકે છે. ભારતીય ટેલિકોમ ક્ષેત્રે વોડાફોને મોટી સમજૂતિ કરીને તમામને ચોંકાવ્યા હતા. વોડાફોન ૨૦૦૭માં ભારતીય ટેલિકોમ ક્ષેત્રે પ્રવેશી હતી. ૧૦.૯ અબજ ડોલરમાં એસ્સારમાં શરૂઆતમાં બાવન ટકા હિસ્સો ખરીદ્યો હતો જે આ ક્ષેત્રમાં અગાઉનો સૌથી મોટો હિસ્સો હતો.
સ્નેપડિલ અને ફ્રીચાર્જ વચ્ચે કરાર
ઈ-કોમર્સ સ્ટાર્ટઅપ સ્નેપડીલે અભૂતપૂર્વ સમજૂતિ કરીને ફ્રીચાર્જ સર્વિસને ખરીદી લીધી હતી. ૪૦ કરોડ અમેરિકી ડોલરમાં આ સમજૂતિ થઈ હતી. આ સોદામાં રોકડ રકમ ઉપરાંત શેરનો સમાવેશ થાય છે. ભારતીય ઈન્ટરનેટ ઉદ્યોગમાં આ સોદાને સૌથી મોટો માનવામાં આવે છે. આ સોદાબાજી થઈ ત્યારે સ્નેપડીલે ૧૧ અબજ અમેરિકી ડોલર રકમ ઉભી કરી હતી. જ્યારે ફ્રીચાર્જે ૧.૨૦ અબજ ડોલરની રકમ એકત્રિત કરી હતી. આ સોદાબાજી બાદ ફ્રીચાર્જ કંપની સ્વતંત્ર રીતે કામ કરી રહી છે.