નવી દિલ્હી : ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલામાં વચેટીયા ક્રિશ્ચિયન મિશેલ દ્વારા ઈડીની પૂછપરછમાં સોનિયા ગાંધીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યા બાદ રાજકીય ગરમી વધી ગઈ છે. રાફેલ ડીલને લઈને ભાજપ ઉપર પ્રહાર કરનાર કોંગ્રેસની સામે ભાજપને હવે નવું હથિયાર મળી ગયું છે. ભાજપે આજે તરત પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. ભાજપના નેતા અને કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે અગાઉની યુપીએ સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર કૌભાંડોની સરકાર હતી.
ચારેય બાજુ કૌભાંડ થયા હતા. જમીન, આકાશ અને દરિયામાં કૌભાંડો થયા હતા. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ વેળા એવં શાસન હતું જે શાસન વેળા દેશને લુંટવાનું કામ થયુંં હતું. જાવડેકરે કહ્યું હતું કે ચોર મચાયે શોર જેવી સ્થિતિ થઈ ગઈ છે. આજ પટકથાનું નામ છે. જાવડેકરે એમ પણ કહ્યું હતું કે પહેલા દેશને માત્ર બે શબ્દની માહિતી હતી. જેમાં ફેમિલી અને એપીનો સમાવેશ થાય છે. હવે ઈડીએ કોર્ટમાં જે નામો અંગે માહિતી આપી છે તેમાં બીગ મેન, સન ઓફ ઈટાલિયન લેડી, પાર્ટી લીડર, આર જેવા શબ્દોનો ઉલ્લેખ છે. આ તમામ એક જ પરિવાર તરફ ઈશારો કરે છે. કોલસા કૌભાંડમાં મનમોહનસિંહ એકલા રહી ગયા હતા. કારણ કે તેમની પાસે માત્ર પત્રો આવતા હતા. મિશેલને જ્યારે ભારત લવાયો હતો ત્યારે કોંગ્રેસે તરત વકીલો મોકલી દીધા હતા.
આનાથી સાબિત થાય છે કે તેમની ઉંઘ હરામ થઈ ગઈ છે. કોર્ટે આદેશ આપ્યો છે કે મિશેલને તેમના વકીલ પણ દુરથી મળશે. મુલાકાતનો સમય પણ ૩૦ મિનિટ થી ઘટાડીને ૧૫ મિનિટ કરી દેવાયો છે. જાવડેકરે કહ્યું હતું કે મિશેલે એમ પણ કહ્યું હતું કે નાણામંત્રી નાખુશ છે. અમે સન્માન આપ્યું નથી. એવું લાગી રહ્યું છે કે એક કોપી જેમ અધિકારીઓ અને મંત્રાલયોન પાસે જાય છે તેવી જ રીતે મિશેલ પાસે પણ પહોંચતી હતી.