શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેનાએ શનિવારના દિવસે મોટી સફળતા હાંસલ કરી હતી. પુલવામાના રાજપોરા ગામમાં થયેલી અથડામણમાં સેના અને એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા છે. સૈન્ય સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે શુક્રવારે મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે આજે સવાર સુધી જારી રહ્યુ હતુ. બાતમીના આધાર પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ સુચના બાદ સેનાની ૪૪ રાષ્ટ્રીય રાઇફલ, કેન્દ્રિય રિઝર્વ પોલીસની ૧૮૩ બટાલિયન અને જમ્મુ કાશ્મીરમાં એસઓજીની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યુ હતુ.
આ ગાળા દરમિયાન અહીંના હાજીપાઇન વિસ્તારમાં મકાનમાં છુપાયેલા ત્રાસવાદીઓએ કાર્યવાહી હાથ ધરી હતી. આ ગોળીબારી બાદ જવાનોએ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. ત્રાસવાદીઓને એક મકાનમાં ઘેરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સામ સામે ગોળીબારની રમઝટ જામી હતી. આ કાર્યવાહી દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.
લાંબા સમય સુધી અથડામણ બાદ ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. કાશ્મીર ખીણમાં સેનાની કાર્યવાહી પહેલા જમ્મુ વિસ્તારમાં સાંબા જિલ્લામાં જમીનની નીચે છુપાયેલા ઘાતક હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. સાંબા જિલ્લામાં સેનાના ઓપરેશનમાં મોટી સંખ્યામાં હથિયારો કબજે કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં હાલના વર્ષોમાં એક પછી એક મોટી સફળતા મળી રહી છે. પુલવામાં વિસ્તારમાં ત્રાસવાદીઓ હજુ પણ મોટા પાયે સક્રિય થયેલા છે. તેમની સામે વારંવાર ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે.