અમદાવાદ: શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે તા.૨૭ અને ૨૮ ડિસેમ્બર દરમ્યાન યોજાયેલી રિલાયન્સ ફાઉન્ડેશન ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ(અંડર-૧૬, ૮૦-૮૦ ઓવરની મેચ)ની ફાઇનલ મેચમાં હીરામણિ સ્કૂલ ચેમ્પિયન બની છે. હિરામણિ સ્કૂલે તેની પ્રતિસ્પર્ધી ટીમ સંત કબીર સ્કૂલની ટીમને હરાવી ૩૭ રનથી વિજય મેળવી ચેમ્પિયન બની હતી. આ મેચમાં હીરામણિ સ્કૂલના સાહિલ મકવાણાએ ૨૧૦ બોલમાં ૧૫૬ રન અને કુશાન પટેલે ઓલરાઉન્ડર દેખાવ કરતાં ૩૧ બોલમાં ૪૩ રન અને ૯૪ રન આપી ચાર વિકેટ ઝડપી હતી.
જેના કારણે હીરામણિ સ્કૂલની ટીમે શાનદાર પરફોર્મન્સ આપી વિજયી બની ટુર્નામેન્ટ ચેમ્પિયન બની હતી. ક્રિકેટક્ષેત્રે હિરામણિ સ્કૂલનું ગૌરવ વધારવા બદલ હીરામણિ સ્કૂલના પ્રમુખ નરહરિ અમીન સહિતના મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને ખાસ શુભેચ્છા -અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રિલાયન્સ ફાઉન્ડેશન ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં હીરામણિ સ્કૂલની ટીમે ૮૦ ઓવરમાં ૨૯૫ રનનો જંગી સ્કોર ખડકયો હતો, જેની સામે સંત કબીર સ્કૂલ ૮૦ ઓવરમાં ૨૫૮ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આમ, હીરામણિ સ્કૂલ ૩૭ રનથી વિજય મેળવી ચેમ્પિયન બની હતી. હિરામણિ સ્કૂલ ચેમ્પિયન બનતાં ખૂબ મોટી સંખ્યામાં મેચ જાવા ઉમટેલા શાળાના વિદ્યાર્થી અને વાલીઓ ખુશીથી ઝુમી ઉઠયા હતા.