અમદાવાદ : અમદાવાદીઓને સાબરમતી રિવરફ્રન્ટ પરથી નવા વર્ષમાં સી-પ્લેનમાં મુસાફરી માણવાની તક મળશે. રાજ્યમાં રિવરફ્રન્ટ સહિત ચાર સ્થળોએથી સી-પ્લેન ઉડાવવાની યોજનાના ફીઝિબિલિટી રિપોર્ટનું કામ પૂરું થઇ ગયું છે અને હવે ટેન્ડરિંગ પણ શરૂ થઇ ચૂકી છે. તેથી નવા વર્ષની ભેટરૂપે ટૂંકમાં અમદાવાદીઓ સી-પ્લેનની સફર માણશે. કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે તાજેતરમાં કેન્દ્રીય પ્રવાસન પ્રધાન કેજે આલ્ફોન્સે આવ્યા હતા. તેમણે કેન્દ્રીય પ્રવાસન વિભાગમાંથી આ માટે સ્પશિયલ ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત પણ કરી છે. રાજ્યના ચાર પ્રવાસન સ્થળો નર્મદા ડેમ, શત્રુંજય, ધરોઇ અને સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેનની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે, જેની ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરાઇ છે.
હાલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એરિયલ વ્યૂ નજારો જોવા માટે પ્રવાસીઓ માટે હેલિકોપ્ટર રાઇડનું આકર્ષણ ઉમેરાયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. પ્રવાસીઓને તમામ સુવિધા મળે તે હેતુથી સી-પ્લેન ઉડાનની યોજના ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે. આગામી વર્ષમાં પ્રવાસી એક જ દિવસમાં સી-પ્લેન દ્વારા બેથી ત્રણ ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકશે. સી-પ્લેન તેનાં લોકેશનો અને અન્ય ટેકનીકલ બાબતો અંગેનો ફિઝિબિલિટી રિપોર્ટ કેન્દ્રના સિવિલ એવિયેશન વિભાગને સબમીટ કરી દેવાયો છે. ટેકનીકલ તમામ પાસાંઓના અભ્યાસ પૂરા થઇ ગયા છે.
ખાનગી કંપનીઓ સી-પ્લેન ઉડાવવાની ઇચ્છા ધરાવતી હશે તો તેમણે ટેન્ડર ભરવાનું રહેશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, તા.૧૦ જાન્યુઆરી સુધીમાં કઇ ખાનગી કંપની રાજ્યના ચાર સ્થળોએ સી-પ્લેન ઉડાવશે તે નક્કી થઇ જશે. કેવડિયા નજીક જાયન્ટ વ્હીલ એમ્યુઝમેન્ટ પાર્ક પણ બનાવવામાં આવશે. ગત વર્ષે પહેલી વાર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડા પ્રધાન મોદીએ સી-પ્લેનમાં બેસીને ધરોઇ ઉતરાણ કરીને મા અંબાનાં દર્શન કર્યાં હતાં, ત્યારથી સી-પ્લેનને લઇ લોકોની ઇન્તેજારી વધી ગઇ છે.