અમદાવાદ : અમદાવાદમાં આજે સતત બીજા દિવસે તીવ્ર ઠંડીનો ચમકારો રહ્યો હતો અને પારો બીજા દિવસે પણ ૧૦થી નીચે રહ્યો હતો. સવારમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા હતા. આજે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૯.૮ ડિગ્રી રહ્યું હતું. જે ગઇકાલની સરખામણીમાં વધારે હોવા છતાં તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. કોલ્ડવેવની ચેતવણી પણ આગામી બે દિવસ માટે અકબંધ રાખવામાં આવી છે. કોલ્ડવેવની પરિસ્થિતિ ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, વડોદરામાં રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આવી જ સ્થિતિ રહેશે જેમાં પોરબંદર, અમરેલી અને રાજકોટનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ગાંધીનગરમાં સૌથી વધારે ઠંડીનો અનુભવ થયો હતો જ્યાં પારો ૬.૨ રહ્યો હતો જ્યારે નલિયામાં ૬.૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડી પ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.
હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જારદાર તેજી જામી છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં પારો આવતીકાલે યથાસ્થિતિમાં રહી શકે છે અને તાપમાનમાં નજીવો ફેરફાર જાવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાન આવતીકાલે ૭ ડિગ્રીની આસપાસ રહી શકે છે. અમદાવાદમાં ઠંડી વધી પારો ૮ સુધી પહોંચી શકે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા.