નવી દિલ્હી : ઇ-કોમર્સના ક્ષેત્રમાં એફડીઆઈ ધારાધોરણ એકાએક વધુ કઠોર કરી દેવામાં આવ્યા બાદ મૂડીરોકાણ અને મોટી સંખ્યામાં નોકરી પર તવાઈ આવી ગઈ છે. કેટલાક લોકોને આનાથી ફાયદો થશે. ઇ-કોમર્સ ઉપર નવી નીતિથી કેટલાકને ફાયદો અને કેટલાકને નકસાન થશે. વિદેશી મૂડીરોકાણ કરનાર ઓનલાઈન માર્કેટ પ્લેસને નવી નીતિથી નુકસાન થશે જ્યારે કેટલીક કંપનીઓને સીધો ફાયદો થશે. નવા નિયમો કોઇપણ ઇ-કોમર્સ કંપનીને એવી ચીજાના વેચાણ અને પોતાના પ્લેટફોર્મથી વેચવાને રોકે છે જેમનું ઉત્પાદન તે પોતે અથવા તો તેની કોઇ યુનિટ કરે છે.
એટલું જ નહીં આમા એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, કોઇ વેન્ડર કોઇ પોર્ટલ ઉપર વધુને વધુ કેટલી ચીજવસ્તુઓના વેચાણ કરી શકે છે. નવી નીતિમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર કોઇ સપ્લાયરને વિશેષ સુવિધા આપવા ઉપર પણ બ્રેક મુકવામાં આવી છે. નવી નીતિ હેઠળ કેસબેક, એક્ઝીક્યુસીવ સેલ, બ્રાન્ડ લોન્ચિંગ, અમેઝોન પ્રાઈમ અથવા ફ્લિપકાર્ટ પ્લસ જેવી ખાસ સેવાઓ અથવા પ્રોગ્રામ ઉપર બ્રેક મુકાશે. કારણ કે, સરકાર આ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મને નિષ્પક્ષ કરી દેવા માંગે છે.
કઠોર બની જવાથી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી મોટી કંપનીઓને મોટો ફટકો પડશે. મોટા મોટા ડિસ્કાઉન્ટ ઓફર મારફતે ગ્રાહકોને આકર્ષિત કરવામાં હજુ સુધી આ લોકો સફળ રહ્યા છે પરંતુ નવા નિયમો અમલી બન્યા બાદ આ બાબત શક્ય બનશે નહીં. એક વિદેશી ઇ-કોમર્સ કંપનીના વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, એમેઝોન અને ફ્લિપકાર્ટના બિઝનેસ મોડલમાં અભ્યાસ કર્યા બાદ આ કંપનીઓને માળખાકીયરીતે ખતમ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ઇ-કોમર્સ કંપનીઓ ભારતમાં નોકરી આપી રહી છે ત્યારે આ ઘટનાક્રમ ખુબ જ ઘાતક સાબિત થઇ શકે છે.